ભારતે ખાસ પ્રકારના રોક સોલ્ટ 'હિમાલયન પિંક સોલ્ટ' ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ પાકિસ્તાનના સ્થાનિક વેપારીઓ હવે નવા બજારો શોધવા લાગ્યા છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના વ્યાપારિક સંબંધો સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન આ ખાસ પ્રકારના રોક મીઠાના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંનું એક છે. પંજાબ પ્રાંતમાં સ્થિત ખેવરા પાકિસ્તાનની સૌથી મોટી રોક મીઠાની ખાણ છે અને તેમાં 30 પ્રોસેસિંગ યુનિટ છે. પાકિસ્તાને 2024માં કુલ 3,50,000 ટન રોક મીઠાની નિકાસ કરી હતી, જેની કિંમત $120 મિલિયન હોવાનો અંદાજ છે.
આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના સંબંધો તૂટી ગયા
પહેલગામ આતંકવાદી હુમલા પછી લાદવામાં આવેલા વેપાર પ્રતિબંધથી આ રોક મીઠાના નિકાસકારોને ફટકો પડ્યો છે. જેની ભારતમાં ખૂબ માંગ છે. રોક મીઠા અને સંબંધિત ઉત્પાદનોના નિકાસકાર ઘની ઇન્ટરનેશનલના વરિષ્ઠ ડિરેક્ટર મન્સૂર અહેમદે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનમાંથી આ રોક મીઠાનો સૌથી મોટો આયાતકાર રહ્યો છે. પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશમાં કોઈ નિકાસ થઈ રહી નથી. મન્સૂરે દાવો કર્યો હતો કે ઘણા વર્ષોથી ભારતીય આયાતકારો પાકિસ્તાનથી કાચા રોક મીઠાની આયાત કરી રહ્યા છે અને પછી તેનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કરીને તેને ભારતીય ઉત્પાદન તરીકે ઊંચા ભાવે અન્ય દેશોમાં વેચી નિકાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન અને ચીન સાથે મીઠાના ટોચના ત્રણ નિકાસકારોમાંનો એક છે. પરંતુ ભારત કે ચીન નહીં, ફક્ત પાકિસ્તાન જ હિમાલયન રોક મીઠાનું ઉત્પાદન કરે છે.
પાકિસ્તાનીઓ જુઠ્ઠું બોલવામાં નિષ્ણાત
પાકિસ્તાનના નિકાસકારો આ પ્રતિબંધથી ચિંતિત નથી કારણ કે તેમને તેમાં આશાનું કિરણ દેખાય છે. પાકિસ્તાનના સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SMAP) ના વડા સાયમા અખ્તરે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સિંધવ મીઠાની વૈશ્વિક સ્તરે પહેલેથી જ ખૂબ માંગ છે કારણ કે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જ્યારે અમે ભારતમાં તેની નિકાસ કરતા હતા. ત્યારે ભારતીય છૂટક બજારમાં મીઠું 45 થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાતું હતું. હવે તે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ઇત્તેફાક કંપનીઓ, જે રોક સોલ્ટના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર છે. તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) શહઝાદ જાવેદે જણાવ્યું હતું કે 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાન દ્વારા ચીનમાં રોક સોલ્ટની નિકાસમાં વધારો થયો છે.