ભારત અને યુએસ વચ્ચે હાલમાં ચાલી રહેલી વાટાઘાટોમાં યુએસ દ્રારા ભારતમાં તેની ડેરી પ્રોડક્ટ્સ વેચવાની છુટ આપવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે ભારત યુએસની આ માંગણીને તાબે થવા સહેજ પણ તૈયાર નથી તેનું મુખ્ય કારણ નોન વેજ મિલ્ક છે. નોન વેજ મિલ્ક જેવું નામ સાંભળીને ભારતીય ચકિત થઇ જાય એ સ્વાભાવિક છે પરંતુ જે પશુઓને અન્ય પશુઓનું માંસ કે લોહી આહાર તરીકે આપવામાં આવતા હોય એવા પશુમાંથી મળતાં દુધને નોન વેજ મિલ્ક કહે છે અને યુએસમાં દુધાળા પશુઓના આહારમાં માંસ અને લોહી આપવામાં આવે છે. ભારત આ માંગને તાબે થવા માંગતું નથી એનું અન્ય એક કારણ એ પણ છે કે ભારતનું ડેરિ સેકટર 1.40 અબજ નાગરિકોની જરૂરિયાતો સંતોષવાની સાથે આશરે 8 કરોડ લોકોને રોજગારી આપે છે. જો યુએસના ડેરી સેકટરને ભારતમાં વેચાણની છુટ આપવામાં આવે તો તેના કારણે ડેરી સેકટરમાં રોજીરોટી મેળવતા આ લોકોના જીવનનિર્વાહના સાધન પર તેની વિપરીત અસર થઇ શકે છે. આવા સંજોગોમાં રેસિપ્રોકલ ટેરિફ માટે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા જે 1 ઓગસ્ટની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે તે પહેલા આ મુદ્દાનું નિરાકરણ લાવી યુએસ અને ભારત વચ્ચેના ટ્રેડ ડિલને અંતિમ સ્વરૂપ આપવું બન્ને દેશ માટે અઘરું સાબિત થઇ રહ્યું છે.
યુએસની પ્રોડક્ટને ભારતમાં વેચાણની છૂટ અપાય તો સ્થાનિક ડેરી ઉદ્યોગને
રૂ. 1.03 લાખ કરોડનું નુકસાન જાય । ભારત દુધનું ઉત્પાદન અને વપરાશ કરતું વિશ્વનું સૌથી મોટું બજાર છે. આવા સંજોગોમાં જો યુએસની ડેરી પ્રોડક્ટ્સને ભારતીય બજારમાં વેચાણની છુટ આપવામાં આવે તો તેના કારણે આ પ્રોડક્ટના ભાવ ઘટતા ડેરી ઉદ્યોગ પર નભતા સ્થાનિક પશુપાલકો અને કામદારોની આર્થિક સ્થિતિ પર તેની વિપરીત અસર થઇ શકે છે. એસબીઆઇના એક એનાલિસીસ મુજબ યુએસની ડેરી પ્રોડક્ટ્ને ભારતમાં વેચાણની છુટ આપવામાં આવે તો તેના કારણે સ્થાનિક ડેરી પ્રોડક્ટ્સના ઉદ્યોગને વર્ષે આશરે રૂ. 1.03 લાખ કરોડનું નુકસાન જાય એવી અંદાજ છે. એક રિસર્ચ સંસ્થાના અહેવાલ મુજબ ભારતનો ડેરી ઉદ્યોગ નેશનલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ)માં 2.5 ટકાથી 3 ટકાનું યોગદાન આપે છે અને તેના આ યોગદાનનું કુલ મૂલ્ય આશરે રૂ. 7.5 લાખ કરોડથી રૂ. 9 લાખ કરોડ જેટલું છે. ઉલ્લેખનીય છે દેશમાં ગુડ્સ અને સર્વિસીસના ઉત્પાદનનું જે કુલ મૂલ્ય હોય તેમાંથી કાચા માલસામાનની કિંમત બાદ કરતાં જે મૂલ્ય રહે તેને જીવીએ કહે છે.
નોન વેજ મિલ્ક કોને કહેવાય?
જે પશુઓને પશુઓનું માંસ કે લોહી આહાર તરીકે આપવામાં આવતું હોય એવા પશુઓમાંથી મળતાં દુધને નોન વેજ મિલ્ક કહે છે. યુએસમાં પશુઓને આધાર તરીકે આવું માંસ કે લોહી આપવામાં આવે છે. સિટેલ પોસ્ટ-ઇન્ટેલિજન્સરના એક અહેવાલ મુજબ યુએસમાં દુધાળા પશુઓને માછલી, ચિકન, ઘોડા, બિલાડી, ડુક્કર વગેરેનું માંસ આહાર તરીકે આપવામાં આવે છે. આ ઉપરાંત આ પશુઓને વધુ પ્રોટિન મળે તે માટે તેમને ડુક્કર કે ઘોડાનું લોહી પણ પીવડાવમાં આવે છે. આ ઉપરાંત ફેટ વધે તે માટે તેમને પશુઓની ચરબી પણ ખવડાવવામાં આવે છે. આથી આવા પશુઓમાંથી મળતા દુધને નોન વેજ મિલ્ક કહેવામાં આવે છે.
ભારતે શાકાહારી આહાર લેતા પશુઓના દૂધમાંથી પ્રોડક્ટ્નું ઉત્પાદન થયું છે એવા સર્ટિફિકેશનની માંગ કરી
ભારતમાં દુધ અને ઘી જેવી ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ધાર્મિક વિધીમાં થાય છે. આથી યુએસની ડેરી પ્રોડક્ટ્સના વેચાણ માટે છુટ આપવી એ ભારત માટે કોઇ કાળે શક્ય નથી, જ્યારે યુએસ આ માટે હઠ લઇને બેઠું છે. જોકે હવે ભારતે આ માટે એક નવી શરત મુકી હોવાના અહેવાલ છે જેમાં યુએસમાંથી જે ડેરી પ્રોડક્ટની આયાત થાય તેની પર આ ડેરી પ્રોડક્ટ શાકાહારી આહાર લેતા પશુઓના દુધમાંથી બનાવવામાં આવી છે એવા સર્ટિફિકેશનની માંગણી કરવામાં આવી છે. ભારતના અનિમલ હસબન્ડરિ અને ડેરિ વિભાગ દ્રારા ફુડ ઇમ્પોર્ટ માટે સર્ટિફિકેશનને ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
યુએસએ ભારતની સર્ટિફિકેશનની માંગને બિનજરૂરી ટ્રેડ બેરિયર ગણાવી આ મુદ્દો ડબ્લ્યુટીઓમાં ઉઠાવ્યો । જોકે પોતાના કક્કાને જ ખરા માનતા યુએસએ ભારતની આવી માંગણીને બિનજરૂરી ટ્રેડ બેરિયર એટલે કે વેપાર આડેના એક અવરોધ તરીકે ગણાવી છે, એવી માહિતી ભારત સરકારના એક ઉચ્ચ અધિકારીએ એક અગ્રણી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ભારત આ મુદ્દે સહેજ પણ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. અન્ય એક અગ્રણી અખબારમાં આવેલા અહેવાલ મુજબ યુએસએ આ મુદ્દો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ) ખાતે પણ ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે નવેમ્બર, 2024માં ભારતમાં અમલી બનાવવામાં આવેલા ડેરી સર્ટિફિકેશન માટેના ધારાધોરણોમાં ભારત દ્રારા હાલમાં જે માંગણી કરવામાં આવી રહી છે એવા કોઇ સર્ટિફિકેશનનો ઉલ્લેખ નથી.