ઝીના પ્રમોટર્સ સુભાષ ચંદ્રાએ કંપનીમાં રૂ. 2,237 કરોડનું રોકાણ કરી પ્રમોટર્સનો હિસ્સો હાલના 4 ટકાના સ્તરેથી વધારીને 18 ટકા કરવાનો જે પ્રસ્તાવ મુક્યો હતો તેને ઝીના શેરહોલ્ડરો ફગાવી દીધો છે.
ચંદ્રા દ્રારા આ પ્રસ્તાવ માટે જે સ્પેશિયલ રિઝોલ્યુશન મુકવામાં આવ્યું હતું તે જરૂરી 75 ટકા મત મેળવવામાં નિષ્ફળ ગયું હતું અને 40 ટકા શેરહોલ્ડરોએ આ રિઝોલ્યુશનની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ રિઝોલ્યુશન અંતર્ગત કંપનીના પ્રમોટર્સને રૂ. 2,237 કરોડના કન્વર્ટિબલ વોરંટ્સ ઇશ્યુ કરવાનો પ્રસ્તાવ હતો. જાહેર સંસ્થાકીય રોકાણકારોમાંથી 52 ટકાએ આ પ્રસ્તાવના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે જાહેર બિન-સંસ્થાકીય રોકાણકારોમાંથી વિરૂદ્ધમાં મતદાન કરનારાની ટકાવારી 80 ટકા હતી.
અગાઉ પણ નવેમ્બર, 2024માં ઝીના શેરહોલ્ડરોએ ચંદ્રાના પુત્ર અને કંપનીના સીઇઓ પુનિત ગોએન્કાની બોર્ડમાં રિએપોઇન્ટમેન્ટ કરવાની દરખાસ્તને ફગાવી દીધી હતી. આશરે 50 ટકા શેરહોલ્ડોરએ ગોએન્કાને બોર્ડમાં યથાવત રાખવામાં આવે તેની વિરૂદ્ધ મતદાન કર્યું હતું. હાલમાં કંપનીના બોર્ડમાં ચંદ્રા પરિવારનો એક પણ સભ્ય નથી. ઉલ્લેખનીય છે કે આ કંપનીની સ્થાપના ચંદ્રા પરિવાર દ્રારા 1982માં કરવામાં આવી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ હિસ્સો વધારવા માટે કન્વર્ટિબલ વોરંટનો જે વિકલ્પ અપનાવવામાં આવ્યો હતો તેના કારણે શેરહોલ્ડરોએ આ પ્રસ્તાવને ફગાવ્યો હતો, કારણ કે આના કારણે માત્ર ચંદ્રા પરિવારનો હિસ્સો જ વધવાનો હતો. આની જગ્યાએ રાઇટ્સ ઇશ્યુ કે ક્યુઆઇપીનો વિકલ્પ અપનાવવામાં આવ્યો હોત તો કદાચ તેને શેરહોલ્ડરોએ મંજૂરી આપી હોત.
ઝીના શેરહોલ્ડરો દ્રારા માત્ર આ રિઝોલ્યુશન જ નહીં, ભૂતકાળમાં મેનેજમેન્ટ દ્રારા મુકવામાં આવેલા અન્ય કેટલાક પ્રસ્તાવો પણ ફગાવી દેવામાં આવ્યા છે, જે બાબત ભારતમાં સામાન્ય શેરહોલ્ડરોનું પ્રભુત્ત્વ કેટલું વધી રહ્યું છે અને આ વર્ગમાં કેટલી જાગૃત્તિ આવી છે તે દર્શાવે છે. ભારતીય શેરબજારમાં રોકાણ કરતા સંસ્થાકીય રોકાણકારો જ નહીં પણ વ્યક્તિગત રોકાણકારો પણ હવે એક્ઝિક્યુટિવને મળતાં વેતન, બોર્ડમાં થતી એપોઇન્ટમેન્ટ અને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝક્શન સહિતની કોર્પોરેટને લગતી બાબતોમાં સંદર્ભમાં પોતાનો મત આપતા થયા છે. અગાઉ 2014માં ટાટા મોટર્સના લઘુમતિ શેરહોલ્ડરોએ આૃર્યજનક ઘટનાક્રમમાં મેનેજિંગ ડાયરેક્ટરને મળતું વેતન અને ભથ્થું વધારવાની દરખાસ્ત ફગાવી દીધી હતી.