જાણીતિા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીબીઆઈએ એક મોટા બેન્કિંગ અને રોકાણ કૌભાંડના સંદર્ભમાં નવી FIR દાખલ કરી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને અનેક અજાણ્યા વ્યક્તિઓ સામે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો ભારતીય જીવન વીમા નિગમ (LIC) સાથે સંકળાયેલા કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે.

LICને 3750 કરોડ રૂપિયાનું મોટું નુકસાન

સીબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ LICને આશરે રૂપિયા 3,750 કરોડનું મોટું નુકસાન થયું છે. LICએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા જાહેર કરાયેલા સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) માં કુલ રૂપિયા 4,500 કરોડનું રોકાણ કર્યું હતું. 2009માં ₹3,000 કરોડ અને 2012માં ₹1,500 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, રૂપિયા 3,750 કરોડ બાકી છે, જેના કારણે છેતરપિંડીના આરોપો છે.

શું છે આરોપ?

સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે એલઆઈસીના પ્રાદેશિક મેનેજરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. કેસમાં આરોપ છે કે છેતરપિંડીભર્યા રોકાણ વ્યવહારો થયા હતા અને એલઆઈસીને ઈરાદાપૂર્વક નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ LIC કેસમાં કેટલાક અજાણ્યા સરકારી અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે અને તેમની તપાસ કરવામાં આવશે. CBI હવે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી નક્કી કરી શકાય કે આટલું મોટું રોકાણ કેવી રીતે ખોવાઈ ગયું અને તેના માટે કોણ જવાબદાર છે.

આ પણ વાંચો : Adani Portsએ 500 મિલિયન ટન કાર્ગોનું સીમાચિહ્ન વટાવી રાષ્ટ્રની વિકાસ ગાથામાં પોતાની ભૂમિકા મજબૂત બનાવી