CBI અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ADA ગ્રુપ સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. શનિવારે તપાસ એજન્સીએ મુંબઈમાં એકસાથે 17 સ્થળોએ દરોડા પાડ્યા. આ કાર્યવાહી કથિત બેંક ફ્રોડ અને ફંડ ડાયવર્ઝન સંબંધિત કેસોમાં કરવામાં આવી છે.

CBIની કાર્યવાહી રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, રિલાયન્સ કોર્મશિયલ ફાયનાન્સ લિમિટેડ અને રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડ સાથે જોડાયેલા મામલાઓમાં કરવામાં આવી છે. તપાસ એજન્સીને શંકા છે કે બેન્કોમાંથી લેવામાં આવેલા નાણાં અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ડિરેક્ટરોના ઘર અને ઓફિસોમાં દરોડા

CBIના જણાવ્યા મુજબ કંપનીઓના ડિરેક્ટરોના નિવાસસ્થાનો તેમજ એવી ઈન્ટરમિડિયરી કંપનીઓની ઓફિસોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી, જેમના ખાતાઓનો ઉપયોગ ફંડ ડાયવર્ઝન માટે થતો હોવાનો આરોપ છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

એક જ સરનામેથી ચાલી રહી હતી અનેક કંપનીઓ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કેટલીક ઈન્ટરમિડિયરી કંપનીઓ એક જ સરનામેથી કાર્યરત હતી. આથી CBIને શેલ કંપનીઓના નેટવર્ક અને શંકાસ્પદ લેવડદેવડ અંગે વધુ શંકા મજબૂત બની છે. CBIએ જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની બેન્કો અને LICની ફરિયાદોના આધારે અનિલ અંબાણી ગ્રુપ સામે અત્યાર સુધીમાં સાત કેસ નોંધાયા છે. આ કેસોમાં અંદાજે 27,337 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે.

અગાઉ પણ થઈ હતી કાર્યવાહી

આ પહેલાં પણ CBIએ આ મામલાઓમાં 14 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રિલાયન્સ કોમ્યુનિકેશનના બે વરિષ્ઠ અધિકારીઓ ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની 20 એપ્રિલ 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીનો આરોપ છે કે બંને બેન્કિંગ ઓપરેશન અને ફંડના ઉપયોગના મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. હાલમાં બંને ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચો : MCX Q4 Results : શું 11 મેએ રોકેટ બનશે આ મલ્ટીબેગર શેર? શાનદાર પરિણામ કર્યા જાહેર

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.