કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકો હાંસલ કરવા અને નોન-ટેક્સ રેવન્યુ વધારવા માટે ફરી એક્શન મોડમાં આવી છે. સરકાર દેશની ચાર મોટી જાહેર ક્ષેત્રની કંપનીઓ—IRCTC, હિન્દુસ્તાન ઝિંક, મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ (MDL) અને હિન્દુસ્તાન કૉપરમાં ઓફર ફોર સેલ (OFS) મારફતે પોતાની ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે.

હિન્દુસ્તાન ઝિંક અને કોપરનું નામ ટોપ પર 

મળતી માહિતી મુજબ, હિન્દુસ્તાન ઝિંકમાં આશરે 1.5 ટકા જ્યારે હિન્દુસ્તાન કૉપર, MDL અને IRCTCમાં લગભગ 5-5 ટકા હિસ્સો વેચવાની યોજના છે. જોકે અંતિમ હિસ્સો અને ટ્રાન્ઝેક્શનનું કદ બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી થઈ શકે છે. હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કૉપરને સરકારની પ્રાથમિકતા યાદીમાં સૌથી ઉપર રાખવામાં આવ્યા છે. આ ચારેય ટ્રાન્ઝેક્શન માટે મર્ચન્ટ બેન્કરોની નિમણૂક થઈ ચૂકી છે. માત્ર ગયા મહિને જ હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કૉપર, MDL અને IRCTC સહિત પાંચ કંપનીઓ માટે મર્ચન્ટ બેન્કરોની નિમણૂક કરવામાં આવી હતી. તેનાથી સરકાર મોટા પાયે ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારી કરી રહી હોવાના સંકેત મળે છે.

સરકારે LICમાં OFS મારફતે 6.5 ટકા હિસ્સો વેચ્યો 

હિન્દુસ્તાન ઝિંકમાં માત્ર 1.5 ટકા હિસ્સો વેચાવાનો હોવા છતાં કંપનીનું મોટું માર્કેટ કેપિટલાઈઝેશન હોવાથી ડીલનું કુલ મૂલ્ય નોંધપાત્ર રહેવાની શક્યતા છે. આ પહેલાં સરકારે LICમાં OFS મારફતે 6.5 ટકા હિસ્સો વેચીને 382 રૂપિયા પ્રતિ શેરના ફ્લોર પ્રાઈસે મોટી ડીલ કરી હતી. FY27માં અત્યાર સુધી LIC ઉપરાંત કોલ ઈન્ડિયા, NHPC, GIC, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને IRFCમાં પણ હિસ્સેદારી વેચાણ થયું છે.

DIPAMના આંકડા મુજબ સરકાર FY27માં અત્યાર સુધી કુલ રૂ. 61,638.61 કરોડ એકત્ર કરી ચૂકી છે. તેમાં ડિસઈન્વેસ્ટમેન્ટથી રૂ. 52,716.02 કરોડ, એસેટ મોનેટાઈઝેશનથી રૂ. 6,366.93 કરોડ અને ડિવિડન્ડથી રૂ. 2,555.66 કરોડનો સમાવેશ થાય છે. જોકે આ પ્રસ્તાવ અંગે સરકાર તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 આ પણ વાંચો : Tata Sons Chairman Resign: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને આપ્યું રાજીનામુ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.