ભારતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 ની કલમ 138 મુજબ, જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ચેક બાઉન્સ થાય અને તેનો કારણ પૂરતું બેલેન્સ ન હોવું કે ચુકવણી માટેની અસમર્થતા હોય, તો તે ફોજદારી ગુનો ગણાય છે. ચેક બાઉન્સ થયા પછી જે વ્યક્તિને ચેક મળ્યો હોય તે 30 દિવસની અંદર કાનૂની નોટિસ મોકલી શકે છે. નોટિસ મળ્યા પછી 15 દિવસની અંદર ચુકવણી કરવાની તક આપવામાં આવે છે. જો આ સમયગાળા દરમિયાન ચુકવણી ન કરવામાં આવે, તો સામે પક્ષ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકે છે. કોર્ટમાં કેસ ચાલ્યા પછી જો આરોપી દોષી સાબિત થાય, તો તેને મહત્તમ બે વર્ષની જેલ, ચેકની રકમના બમણા જેટલો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

 બેંક પણ તરત જ દંડ વસૂલવાનું શરૂ

કાયદાકીય કાર્યવાહી સિવાય, બેંક પણ તરત જ દંડ વસૂલવાનું શરૂ કરે છે. ચેક બાઉન્સ થવા પર સામાન્ય રીતે ₹250 થી ₹750 સુધીનો ચાર્જ લાગતો હોય છે. જો EMI, ભાડું અથવા ક્રેડિટ કાર્ડની ચુકવણી નિષ્ફળ જાય, તો તેના પર લેટ ફી અને વધારાનું વ્યાજ પણ ઉમેરાય છે. એક જ મહિને વારંવાર મેન્ડેટ નિષ્ફળ જાય તો વધારાનો ખર્ચ હજારો રૂપિયામાં પહોંચી શકે છે. આ રીતે નાની ભૂલથી મોટું નાણાકીય નુકસાન થઈ શકે છે.

ચુકવણી નિષ્ફળતાનો સૌથી મોટો પ્રભાવ ક્રેડિટ સ્ક્રોર પર

ચુકવણી નિષ્ફળતાનો સૌથી મોટો પ્રભાવ તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે. જો EMI અથવા ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવવામાં ન આવે, તો ધિરાણકર્તા તમને ડિફોલ્ટ તરીકે નોંધે છે. માત્ર એક EMI ચૂકી જવાથી પણ ક્રેડિટ સ્કોર 50 થી 70 પોઈન્ટ સુધી ઘટી શકે છે. જો આવી ઘટના વારંવાર બને, તો બેંકો અને નાણાકીય સંસ્થાઓ તમને જોખમી ગ્રાહક તરીકે જુએ છે. ભવિષ્યમાં લોન મેળવવી મુશ્કેલ બની શકે છે અથવા વધારે વ્યાજદરે લોન મળે છે. ખાસ કરીને હોમ લોન જેવી મોટી લોન માટે પાત્રતા પર ગંભીર અસર થાય છે.

ચેક અને ઓટો-ડેબિટ વચ્ચેનો તફાવત

અહીં ચેક અને ઓટો-ડેબિટ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ચેક બાઉન્સ કાયદાકીય રીતે કલમ 138 હેઠળ ફોજદારી ગુનો છે, જ્યારે ઓટો-ડેબિટ અથવા NACH નિષ્ફળતા સામાન્ય રીતે ફોજદારી ગુનો નથી. છતાં, તેના કારણે દંડ, લેટ ફી અને ક્રેડિટ સ્કોરમાં ઘટાડો જેવી ગંભીર નાણાકીય અસર થાય છે. આવી મુશ્કેલીથી બચવા માટે ખાતામાં પૂરતું બેલેન્સ રાખવું, EMI તારીખ પહેલાં રકમ જમા કરાવવી અને જો આર્થિક મુશ્કેલી હોય તો અગાઉથી ધિરાણકર્તાને જાણ કરવી જરૂરી છે. ઘણી વખત ટેક્નિકલ ભૂલો, ખોટી બેંક વિગતો અથવા મેન્ડેટ મર્યાદા જેવી સમસ્યાઓ પણ કારણ બની શકે છે. તેથી સમસ્યા આવે ત્યારે તરત જ બેંકનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો  : Dhurandhar 2 : ફેબ્રુઆરીમાં રિલીઝ થશે ગીત, ટ્રેલર રિલીઝ તારીખ જાહેર