ભારતના મુખ્ય ન્યાયાધીશના નિવેદનના વિરોધમાં શરૂ કરાયેલ કોકરોચ જનતા પાર્ટી (CJP)નું એક્સ-અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટી પર ઓનલાઈન ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
કેમ એક્સ અકાઉન્ટ બંધ કરાયું ?
CJPના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું હતું કે એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એકાઉન્ટ હેક ન થયું હોવાથી, તે બંધ કરી દેવામાં આવ્યું હતું. X પર પાર્ટીના 1.6 લાખથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 13 મિલિયનથી વધુ થઈ ગયા છે. X પર પાર્ટીનું એકાઉન્ટ ખોલ્યા પછી તેમાં કહેવામાં આવી રહ્યું છે કે કાનૂની માંગણીઓને કારણે એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે.
કોકરોચ જનતા પાર્ટી કેવી રીતે બની ?
CJP નામનું આ ઓનલાઈન અભિયાન 16 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. હકીકતમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંતે દેશના ચોક્કસ બેરોજગાર યુવાનોના વલણનું વર્ણન કરવા માટે "કોકરોચ" શબ્દનો ઉપયોગ કર્યો હતો. જવાબમાં દીપકે લખ્યું કે જો બધા કોકરોચ ભેગા થઈ જાય તો શું થશે? આ પછી, સોશિયલ મીડિયા પર "કોકરોચ જનતા પાર્ટી" નામનું ઓનલાઈન અભિયાન શરૂ થયું, અને ઝડપથી લોકપ્રિય બન્યું. ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની દ્રષ્ટિએ સીજેપીએ કેન્દ્રમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીને પાછળ છોડી દીધી છે. અહેવાલો અનુસાર 600,000 લોકોએ નોંધણી કરાવી છે. પાર્ટીના સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં ઘણા અગ્રણી રાજકારણીઓ અને સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે.
કોણ છે સ્થાપક અભિજીત દિપકે?
કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત પુણેના રહેવાસી અભિજીત દિપકે દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી છે.
શિક્ષણ: તેમણે પુણેમાંથી જર્નાલિઝમ (પત્રકારત્વ) માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) માં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.
રાજકીય અનુભવ: વર્ષ 2020 થી 2023 દરમિયાન તેઓ આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા હતા, જ્યાં તેમણે સોશિયલ મીડિયા અને ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી.
2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે આપ (AAP) ના મીમ-આધારિત ડિજિટલ પ્રચારમાં તેમનો મહત્વનો ફાળો હોવાનું મનાય છે. આ પ્રચાર બાદ તેઓ સક્રિય રાજકારણથી દૂર થઈ વિદેશ જતા રહ્યા હતા.
અભિજીત 30 વર્ષનો ભારતીય વિદ્યાર્થી છે જેણે તાજેતરમાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) માં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. તેણે સમજાવ્યું, "એક અઠવાડિયા પહેલા, હું નોકરી માટે અરજી કરી રહ્યો હતો, અને પછી આ બધું થયું. કદાચ ભાગ્યમાં મારા માટે કંઈક બીજું જ લખેલું હશે." જ્યારે તેને વાસ્તવિક કૉકરોચ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, "હા, હું જ કૉકરોચ છું. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ખરેખર મારા જેવા યુવાનો વિશે વાત કરી રહ્યા હતા.
આ CJP ની મુખ્ય માંગણીઓ
કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ લાઇવ છે, અને પાર્ટીએ તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેમાં નિવૃત્તિ પછી મુખ્ય ન્યાયાધીશને રાજ્યસભામાં ન મોકલવા, ગૃહમાં બેઠકોની સંખ્યા વધાર્યા વિના મહિલાઓ માટે 50 ટકા અનામત આપવા અને પક્ષ બદલ્યા પછી સાંસદો અને ધારાસભ્યો પર ચૂંટણી લડવા પર 20 વર્ષનો પ્રતિબંધ લાદવા જેવી માંગણીઓ શામેલ છે.
આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી