Credit Card Cash Withdrawal: દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. શોપિંગથી લઈને EMI પર ખરીદી, ફિલ્મની ટિકિટ કે ફ્લાઇટ બુકિંગ સુધી અનેક કામ માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કાર્ડથી કરેલા ખર્ચની ચુકવણી નક્કી કરેલી ડ્યૂ ડેટ સુધી કરવી જરૂરી હોય છે. જો સમયસર પેમેન્ટ ન કરવામાં આવે તો લેટ ફી અને અન્ય વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે. આ ઉપરાંત જરૂરિયાતના સમયે ઘણા લોકો ક્રેડિટ કાર્ડથી કેશ પણ ઉપાડે છે. ATM સહિત કેટલીક બેન્કિંગ સુવિધાઓ દ્વારા આ રકમ મેળવી શકાય છે. જોકે, ક્રેડિટ કાર્ડથી રોકડ ઉપાડવી સામાન્ય ટ્રાન્ઝેક્શન જેવી નથી. તેમાં અલગ ચાર્જ અને વ્યાજ લાગુ થઈ શકે છે. ખાસ કરીને એક મહત્વની ભૂલ કરવાથી કેશ ઉપાડવો મોંઘો સાબિત થઈ શકે છે.
ક્રેડિટ કાર્ડથી કેશ કેવી રીતે ઉપાડી શકાય?
ક્રેડિટ કાર્ડ અને તેના PINનો ઉપયોગ કરીને ATMમાંથી રોકડ મેળવી શકાય છે. કેટલીક બેન્કો નેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ મારફતે પણ કેશ ઉપાડવાની સુવિધા આપે છે. જોકે, કેશ ઉપાડ્યા બાદ તેને સમયસર ચૂકવવું ખૂબ જરૂરી છે. કારણ કે સામાન્ય ખરીદીની જેમ કેશ એડવાન્સ પર ગ્રેસ પિરિયડ મળતો નથી. ક્રેડિટ કાર્ડથી રોકડ ઉપાડતાની સાથે જ બેન્ક તરફથી કેશ એડવાન્સ ફી અને વ્યાજ લાગવાનું શરૂ થઈ શકે છે. આ ઉપરાંત લાગુ પડતા અન્ય ચાર્જ અને GST પણ ચૂકવવો પડી શકે છે. તેથી માત્ર ઇમરજન્સી હોય ત્યારે જ આ વિકલ્પનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે.
