રોહિત શર્મા ભારતીય ક્રિકેટ દિગ્ગજોમાં સામેલ છે. પોતાની હાર્ડ હિટિંગ બેટિંગના કારણે તેને હિટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિકેટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા તે કરોડોની કમાણી કરે છે. હવે રોહિત શર્મા શેર માર્કેટમાંથી પણ કરોડોની કમાણી કરવા તરફ આગળ વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.

રોહિત શર્મા અને તિલક વર્માએ સ્મોલકેપ ટેક્સટાઈલ કંપની સ્વરાજ સુટિંગ(Swaraj Suiting)માં મોટો દાવ લગાવ્યો છે. સ્વરાજ શુટિંગ કંપનીએ તેના રોકાણકારોને પાંચ વર્ષમાં 900 ટકા રિટર્ન આપ્યું છે. આ મલ્ટીબેગર કંપનીએ પ્રેફરેન્શિયલ ઈશ્યૂના માધ્યમથી 103 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. જેમાં આ દિગ્ગદ ક્રિકેટર્સ પણ સામેલ છે.

જ્યારે ક્રિકેટના મેદાનના 'હિટમેન' શેરબજારની પિચ પર ઉતરે, તો રોકાણકારોનું ધ્યાન તેમના તરફ ખેંચાય તે સ્વાભાવિક વાત છે. રોહિત શર્મા હવે માત્ર ક્રિકેટની જ નહીં, પણ રોકાણની દુનિયામાં પણ પોતાની ઇનિંગ શરૂ કરી રહ્યા છે.

કયા કયા ક્રિકેટર્સ કરશે રોકાણ?

કંપની દ્વારા ભંડોળ એકઠું કરવાની આ પ્રક્રિયામાં કેટલાક ચોંકાવનારા નામો સામે આવ્યા છે. કંપનીની યાદી મુજબ, આ રોકાણ કરનારાઓમાં રોહિત શર્મા, તિલક વર્મા, બેટ્સમેન શ્રેયસ ઐયરના પિતા સંતોષ વેંકટેશ્વરન ઐયર અને કોલકાતા નાઇટ રાઇડર્સના કોચ અભિષેક મોહન નાયરનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, આ ચારેય રોકાણકારોને કંપની દ્વારા 11,000-11,000 શેર ફાળવવામાં આવશે. આ રોકાણ 599 કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી એક સ્મોલકેપ કંપનીમાં કરવામાં આવ્યું છે.

103 કરોડ રૂપિયા એકઠા કરવાનો મેગા પ્લાન

'સ્વરાજ સૂટિંગ' માત્ર ક્રિકેટરોને જોડવા પૂરતું સીમિત નથી, પરંતુ પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે મોટું ફંડ એકઠું કરી રહી છે. આ માટે કંપનીએ કુલ 43,76,500 શેર જારી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટે પ્રતિ શેરનો ભાવ 236 રૂપિયા નક્કી કરાયો છે. જો યોજના સફળ રહી તો કંપનીની તિજોરીમાં આશરે 103.28 કરોડ રૂપિયા આવશે.

આ ઉપરાંત, કંપની 67,97,000 'વોરન્ટ' જાહેર કરવાની પણ યોજના ધરાવે છે. 'વોરન્ટ' એક એવો અધિકાર છે, જેને ભવિષ્યમાં શેરોમાં બદલી શકાય છે. આ વોરન્ટની કુલ કિંમત 160.40 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. કંપનીએ તેની Borrowing Limit વધારીને 1,000 કરોડ રૂપિયા કરવાની પણ મંજૂરી માંગી છે.

પાંચ વર્ષમાં 900 ટકાનું દમદાર વળતર

આ કંપની રોકાણકારો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે, કારણ કે તેનો ભૂતકાળનો દેખાવ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. આ સમાચાર આવતાની સાથે જ 27 નવેમ્બરના રોજ શેર 2.54 ટકા વધીને 279 રૂપિયા પર પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનામાં શેરે આશરે 44 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. લાંબા ગાળાની વાત કરીએ તો, છેલ્લા પાંચ વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને 900 ટકાનું જબરદસ્ત વળતર આપ્યું છે. કંપનીના ફંડામેન્ટલ્સ પણ મજબૂત છે. તેનું ROE (Return on Equity) 24.12 ટકા છે. જ્યારે PE Ratio (પીઇ રેશિયો) 17.89 છે.

સ્વરાજ સૂટિંગ કંપની શું કરે છે?

'સ્વરાજ સૂટિંગ' ટેક્સટાઇલ (કાપડ) ઉદ્યોગમાં સક્રિય છે. તે ડેનિમ અને કોટન જેવા ફેબ્રિકનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ જીન્સ, બોટમવેર અને હોમ ટેક્સટાઇલ (ઘર સજાવટના કપડાં) માં થાય છે. કંપની યાર્ન (દોરા) ની રંગાઈથી લઈને કાપડ વણવા અને ફિનિશિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ ઇન-હાઉસ સંભાળે છે. આ કંપની અનેક મોટા અને જાણીતા ટેક્સટાઇલ બ્રાન્ડ્સને કાપડ સપ્લાય કરે છે.

નોંધ: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે, અને તેને રોકાણ સલાહ તરીકે સમજવું ન જોઈએ. Sandesh News વાચકો અને દર્શકોને કોઈપણ નાણાકીય બાબતે નિર્ણય કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવાની સલાહ આપે છે.


આ પણ વાંચો - Most Expensive Number Plate: દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ 'HR88B8888', એક કરોડ કરતા પણ ઉપર પહોંચી તેની કિંમત