રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ મળી શકે છે. તેમને વર્તમાન 7મા પગાર પંચ હેઠળ ઓછામાં ઓછો એક વધુ ડીએ (મોંઘવારી ભથ્થું) મળી શકે છે. તેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3થી 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. DAમાં આ વધારો 1 જુલાઈ 2025 થી લાગુ થઈ શકે છે. તેનાથી દેશના કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાહત મળશે.
આ જાહેરાત વર્ષમાં બે વાર થાય
મોંઘવારી ભથ્થામાં વધારો વર્ષમાં બે વાર ફેબ્રુઆરી-માર્ચ અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે જે અનુક્રમે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે. તેનાથી કર્મચારીઓને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં મદદ મળે છે. આ વર્ષે માર્ચમાં 2 ટકાના વધારા સાથે વર્તમાન મોંઘવારી ભથ્થાનો દર 55 ટકા થયો છે. સરકારી કર્મચારીઓને DA આપવામાં આવે છે જ્યારે પેન્શનરોને DR આપવામાં આવે છે.
હાલનાં ડેટા અનુસાર, મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW)ના આધારે કરવામાં આવે છે. માર્ચ 2025માં AICPI-IW 143 હતું. મે સુધીમાં તે વધીને 144 થઈ ગયું. જો આ વલણ ચાલુ રહે તો મોંઘવારી ભથ્થું ત્રણથી ચાર ટકા વધી શકે છે. હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓને 55% મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જો રક્ષાબંધન પહેલા DAમાં વધારો થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતો મોંઘવારી ભથ્થું 58%- 59% સુધી પહોંચી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓની પેન્શનરોને પણ ફાયદો
જો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધે છે તો તેમને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મળેલા પગારના બાકી પૈસા પણ મળશે. દર વર્ષે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થા અંગે સુધારા અને જાહેરાતો કરે છે તેથી કર્મચારીઓ આ વખતે જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ વધારાના લાભ ફક્ત કેન્દ્રીય કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરોને પણ સીધા મળશે.
કેન્દ્રીય કર્મચારીઓને કેટલો મળશે વધારો?
કર્મચારીઓના મૂળ પગારનો એક ભાગ મોંઘવારી ભથ્થું છે જે ફુગાવાની અસર ઘટાડવા માટે આપવામાં આવે છે. જો કર્મચારીનો મૂળ પગાર રૂ,50000 છે તો ફુગાવાનો દર 55%થી વધીને 58% થાય છે. તો કર્મચારીના પગારમાં ત્રણ ટકા એટલે કે લગભગ રૂ.1,500નો વધારો થશે. જો DAમાં 4%નો વધારો થાય તો કર્મચારીના મૂળ પગારમાં રૂ.2000નો વધારો થવાની શક્યતાઓ છે.