મે 2026નો પ્રારંભ બેંક કર્મચારીઓ માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થયો છે. બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર તેમના માસિક પગાર પર જોવા મળશે. આ નવો વધારો 1 મે, 2026 થી અમલમાં આવ્યો છે અને મે, જૂન તથા જુલાઈ 2026ના ક્વાર્ટર માટે લાગુ રહેશે.

DA દરમાં ફેરફાર અને ગણતરી

અગાઉના ક્વાર્ટરમાં બેંક કર્મચારીઓ માટે DA 25% હતો, જે હવે 0.70% વધારીને 25.70% કરવામાં આવ્યો છે. આ વધારો જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાનના સરેરાશ 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ' (AICPI) પર આધારિત છે. મોંઘવારીના વધતા આંકડાઓને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને રાહત આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ તાજેતરમાં પોતાના કર્મચારીઓ માટે DA 58% થી વધારીને 60% કર્યો છે.

પગાર પર કેટલી અસર પડશે?

મોંઘવારી ભથ્થાની ગણતરી હંમેશા 'મૂળ પગાર' (Basic Pay) પર કરવામાં આવે છે. આ વધારાથી વિવિધ સ્તરના કર્મચારીઓને નીચે મુજબ લાભ મળશે:

એન્ટ્રી લેવલ (સ્કેલ I): ₹48,480 મૂળ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં આશરે ₹435નો વધારો થશે.

સ્કેલ I (સ્ટેજ 10): ₹67,000 મૂળ પગાર પર અગાઉ ₹21,451 DA મળતો હતો, જે હવે વધીને ₹22,052 થશે. એટલે કે દર મહિને ₹600થી વધુનો ફાયદો.

સિનિયર કર્મચારીઓ: સ્ટેજ 45 કે 47 પર પહોંચેલા સિનિયર અધિકારીઓને માસિક ₹1,000 થી ₹1,050 સુધીનો વધારો મળી શકે છે.

ટેક્સ અને અન્ય જોગવાઈઓ

યાદ રહે કે DA એ 'કોસ્ટ ટુ કંપની' (CTC)નો ભાગ છે, તેથી તે સંપૂર્ણપણે કરપાત્ર (Taxable) છે. આઈટીઆર (ITR) ફાઇલ કરતી વખતે આ રકમ અલગથી દર્શાવવી અનિવાર્ય છે. ગણતરીમાં 50 પૈસાથી વધુની રકમને રાઉન્ડ ઓફ કરીને આગામી રૂપિયામાં ગણવામાં આવે છે.

ભવિષ્યની માંગણીઓ: 5-ડે વર્કિંગ અને 17% વધારો

હાલના DA વધારાની સાથે બેંક યુનિયનો અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) વચ્ચે લાંબા સમયથી કેટલીક મહત્વની માંગણીઓ પર ચર્ચા ચાલી રહી છે. યુનિયનો દ્વારા 1 નવેમ્બર, 2023 થી અમલમાં આવે તે રીતે 17% પગાર વધારાની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, જાહેર ક્ષેત્રની બેંકોમાં પણ ખાનગી ક્ષેત્રની જેમ 'ફાઈવ ડે વર્કિંગ' (શનિ-રવિ રજા) સિસ્ટમ લાગુ કરવાની જોરદાર માંગ છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં આવશે, તો બેંક કર્મચારીઓના વેતનમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ Auto News: EV સેગમેન્ટમાં દેશી કંપનીઓનો દબદબો; એપ્રિલમાં ઈલેક્ટ્રિક કારોનું જોરદાર વેચાણ