FMCG ક્ષેત્રની અગ્રણી કંપની ડાબર ઈન્ડિયાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની કડક કાર્યવાહીનો મોટો ફટકો પડ્યો છે. FSSAI દ્વારા કંપનીના અનેક લોકપ્રિય પ્રોડક્ટ્સના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવતા શેરબજારમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી છે. ડાબર ઈન્ડિયાના શેરમાં આજે 3.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને શેરનો ભાવ આશરે 410.5 રૂપિયા સુધી સરકી ગયો હતો.

ફૂડ લેબલિંગ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન

FSSAIએ જણાવ્યું છે કે ડાબર પોતાના કેટલાક પ્રોડક્ટ્સ પર '100% Pure' અને '100% Natural' જેવા દાવાઓ સાથે માર્કેટિંગ કરી રહી હતી, જે ફૂડ લેબલિંગ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ મુદ્દે અગાઉ પણ કંપનીને નોટિસ આપી વેબસાઈટ અને પેકેજિંગ પરથી આવા દાવાઓ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે સંતોષકારક સુધારાત્મક પગલાં ન લેવાતા હવે નિયમનકારે વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સાથે જ કંપનીને 15 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવા જણાવ્યું છે.

જે પ્રોડક્ટ્સના વેચાણ પર રોક લગાવવામાં આવી છે તેમાં ડાબર હની, ડાબર કાઉ ઘી, ડાબર હિમાલયન ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર, ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક, ડાબર વર્જિન કોકોનટ ઓઇલ, ડાબર તલનું તેલ અને ડાબર કોકોનટ વોટરનો સમાવેશ થાય છે. FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે '100%' જેવા શબ્દોનો ઉપયોગ ગ્રાહકોમાં ભ્રમ ફેલાવી શકે છે અને કોઈ પ્રોડક્ટને અન્ય કરતાં શ્રેષ્ઠ હોવાનું ભાન કરાવે છે. 

ગ્રાહકોને સાચી અને પારદર્શક માહિતી મળવી જરૂરી

આ કાર્યવાહી દેશવ્યાપી અભિયાનનો ભાગ છે, જેમાં પેકેજ્ડ ફૂડ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતા ઉત્પાદનોની બ્રાન્ડિંગ, લેબલિંગ અને પેકેજિંગ પર કડક નજર રાખવામાં આવી રહી છે. નિયમનકારનું કહેવું છે કે ગ્રાહકોને સાચી અને પારદર્શક માહિતી મળવી જરૂરી છે અને ભ્રામક જાહેરાતો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવશે.

આ પણ વાંચો : Auto News: જુલાઈમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં જંગી ઉછાળો, જાણો કયા સેગમેન્ટે મારી બાજી અને કોણ રહ્યું આગળ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.