ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંખ્યા દરરોજ સતત વધી રહી છે. કોરોનાકાળ બાદ લોકોમાં શેરબજાર વિશેની જાગૃતતા વધી છે. સાથે જ ડિજિટલ ફોર્મેટમાં રોકાણની સુવિધા હોવાથી લોકો શેરબજારમાં રસ દાખવી રહ્યા છે. ઉંચી વેલ્યુએશનવાળા IPO પણ નવા રોકાણકારોને માર્કેટ તરફ ખેંચી રહ્યા છે.
જુલાઈમાં 29.8 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખુલ્યા
ત્યારે જુલાઈ મહિનાનો આંકડો સામે આવ્યો છે, જેને જાણીને તમે ચોંકી જશો. ઘણા મોટા દેશોની કૂલ વસ્તી કરતા ભારતમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા વધારે છે અને તેમાં દર મહિને વધારો થઈ રહ્યો છે. જુલાઈ 2025માં પ્રથમવાર ડીમેટ એકાઉન્ટની સંખ્યા 20 કરોડને પાર કરી ગઈ છે. આ સંખ્યા બાંગ્લાદેશ, ઈથોપીયા, મેક્સિકો, રશિયા, જાપાન, ઈજિપ્ત, ફિલિપાઈન્સ, બ્રાઝિલ અને કાંગો જેવા દેશની વસ્તી કરતા પણ વધારે છે. બ્રાઝિલની કૂલ વસ્તી લગભગ 21.3 કરોડ છે. ત્યારે ડિપોઝિટરીઝ (CDSL અને NSDL)ના આંકડા મુજબ જુલાઈમાં 29.8 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખુલ્યા છે, જેનાથી કૂલ સંખ્યા 20.21 કરોડ થઈ ગઈ છે.
નાણાકીય વર્ષ 2024-25માં રેકોર્ડ 4.11 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ ઓપન થયા
રશિયાની વસ્તી લગભગ 14 કરોડ છે, જાપાનની વસ્તી લગભગ 12 કરોડ છે. એટલે આ દેશોની સંખ્યા કરતા ભારતમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા ખુબ જ વધારે છે. જુલાઈમાં લગભગ 29.8 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખુલ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં રેકોર્ડ 4.11 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ ઓપન થયા. ઉલ્લેખનીય છે કે નવા આઈપીઓએ ડીમેટ એકાઉન્ટની સંખ્યા વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સેકન્ડરી માર્કેટમાં શેરના ઉંચા વેલ્યુએશનના કારણે IPO તરફ રોકાણકારો આકર્ષિત થયા. જુલાઈમાં માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ હોવા છતાં આકર્ષક વેલ્યુએશનવાળા આઈપીઓએ રોકાણકારોને આર્કિષત કર્યા છે.