વૈશ્વિક રાજકારણના સૌથી મોટા સમાચાર આજે સામે આવ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ એક નિર્ણયની સીધી પોઝિટિવ અસર ભારતીય બજાર અને રૂપિયા પર જોવા મળી રહી છે.

રૂપિયો બન્યો વધુ શક્તિશાળી

બુધવારે બજાર ખૂલતાની સાથે જ ભારતીય રૂપિયો ડોલર સામે 50 પૈસા મજબૂત થઈને 92.56 ના સ્તર પર પહોંચી ગયો હતો. અગાઉના દિવસે રૂપિયો 93.06 પર બંધ થયો હતો. આ મજબૂતી પાછળનું મુખ્ય કારણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ફરી ખોલવા માટેના ઈરાન સાથેના કરાર અને વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સમાં આવેલો ઘટાડો છે.

શેરબજારમાં ઉત્સવ જેવો માહોલ

માત્ર રૂપિયો જ નહીં, શેરબજારમાં પણ આજે 'સુનામી' જેવી તેજી જોવા મળી છે:

સેન્સેક્સ: 2,800 પોઈન્ટના તોતિંગ ઉછાળા સાથે 77,144 ના સ્તરે પહોંચ્યો.

નિફ્ટી: 821 પોઈન્ટ વધીને રેકોર્ડ ગતિએ આગળ વધી રહ્યો છે.

ક્રૂડ ઓઈલ: આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં 12% નો મોટો ઘટાડો થયો છે, જે હવે $95 પ્રતિ બેરલની નીચે સરક્યું છે.

મજબૂત રૂપિયો: તમારા ઘરના બજેટ પર કેવી અસર પડશે?

જ્યારે રૂપિયો મજબૂત થાય છે, ત્યારે સામાન્ય નાગરિકના જીવનમાં નીચે મુજબના મોટા ફેરફારો આવે છે:

1. સસ્તું ઈંધણ (પેટ્રોલ-ડીઝલ):

ભારત તેની જરૂરિયાતનું 80% તેલ આયાત કરે છે. ડોલર સામે રૂપિયો મજબૂત થતા તેલની આયાત સસ્તી પડશે, જેનાથી આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે.

2. મોંઘવારી પર લગામ:

ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટવાને કારણે શાકભાજી, ફળો અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. ઇંધણના ભાવ ઘટવાથી ચીજવસ્તુઓની હેરફેર સસ્તી બને છે, જેની સીધી અસર છૂટક મોંઘવારી પર પડે છે.

3. ગેજેટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સસ્તા થશે:

મોબાઈલ, લેપટોપ અને ટેલિવિઝન જેવા ઈલેક્ટ્રોનિક સામાનના પાર્ટ્સ વિદેશથી મંગાવવામાં આવે છે. આયાત ખર્ચ ઘટતા કંપનીઓ સ્માર્ટફોન અને કમ્પ્યુટરના ભાવ ઘટાડી શકે છે.

4. વિદેશ અભ્યાસ અને પ્રવાસમાં બચત:

જો તમારું બાળક વિદેશમાં ભણે છે અથવા તમે વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારે ઓછા રૂપિયા ખર્ચવા પડશે. અગાઉ 1 ડોલર માટે ₹93 આપવા પડતા હતા, જે હવે ઘટીને ₹92.56 થયા છે. એટલે કે દરેક ડોલર પર તમારી સીધી બચત થશે.

5. રસોડાનું બજેટ સુધરશે:

ભારત મોટા પ્રમાણમાં પામ ઓઈલ અને ખાદ્ય તેલની આયાત કરે છે. રૂપિયાની મજબૂતીથી આ આયાત સસ્તી થશે, જેથી ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે.



આ પણ વાંચો: Stock Market Opening: ટ્રમ્પના સીઝ ફાયરની જાહેરાતથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 2637 પોઇન્ટ ઉછળ્યો