ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સામાન ખરીદતી વખતે હવે ગ્રાહકોને કિંમત, ડિસ્કાઉન્ટ, સર્ચ રિઝલ્ટ અને પ્રોડક્ટ સાથે જોડાયેલી માહિતી વધુ સ્પષ્ટ રીતે મળશે. ગ્રાહક બાબતોના વિભાગે ઈ-કોમર્સ માટેના ગ્રાહક સુરક્ષા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો 1 જાન્યુઆરી 2027ની તારીખ નોંધી લો. 1 જાન્યુઆરી 2027થી ઈ-કોમર્સના નવા નિયમો લાગુ થશે. ઈ-કોમર્સ કંપનીઓ પર સરકાર કડક નિયંત્રણો લાગુ કરવા જઇ રહી છે. હવે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનું કંપનીઓ માટે ભારે પડશે.
ડાર્ક પેટર્ન પર લગામ લાગશે
સૌથી મોટો ફેરફાર ડિસ્કાઉન્ટ બતાવવાની રીતમાં થશે. ડિસ્કાઉન્ટ બતાવતી વખતે જૂની કિંમતની સાથે નવી કિંમત પણ જણાવવી પડશે. માનો કે કોઈ પ્રોડક્ટની કિંમત 100 રૂપિયા છે અને તેના પર 20% ડિસ્કાઉન્ટ છે, તો તેની જૂની કિંમત પણ જણાવવી પડશે. જો અગાઉ તેની કિંમત 90 રૂપિયા હતી અને તેના પર 11% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, તો પ્રોડક્ટ 80 રૂપિયામાં જ મળતું હતું અને હવે પણ 80 રૂપિયામાં જ મળી રહ્યું છે. એટલે ગ્રાહકને વધારાનો કોઈ ફાયદો મળતો નથી. હવે આ માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવી પડશે.
કોઈપણ પ્રોડક્ટની જૂની કિંમતને લઈને પણ મર્યાદા રહેશે. જૂની કિંમત એ જ ગણાશે જે છેલ્લા 30 દિવસમાં સૌથી ઓછી હતી. એટલે 6 મહિના જૂની કિંમત બતાવીને તેના પર ઓફર આપીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનું બંધ થશે.
સર્ચ રિઝલ્ટમાં ગેરરીતિ નહી ચાલે
પ્રોડક્ટના સર્ચ રિઝલ્ટમાં પણ ગેરરીતિ નહીં ચાલે. એટલે તમે કોઈ પ્રોડક્ટનું નામ અથવા બ્રાન્ડનું નામ સર્ચ કરો ત્યારે સૌથી પહેલાં એ જ પ્રોડક્ટ બતાવવી પડશે. અત્યારે ઘણી વખત આપણે કોઈ પ્રોડક્ટ સર્ચ કરીએ ત્યારે તેના બદલે મળતી આવતી અન્ય ઘણી પ્રોડક્ટ સ્ક્રીન પર દેખાવા લાગે છે.
જો કોઈ પ્રોડક્ટને પ્રમોટ કરવામાં આવી રહી હોય તો તેની માહિતી સ્પષ્ટ રીતે આપવી પડશે. અત્યારે ઘણી વખત સ્પોન્સર્ડ પ્રોડક્ટ સૌથી ઉપર દેખાય છે, પરંતુ પ્રમોશન સાથે જોડાયેલું ટેગ ખૂબ નાના અક્ષરોમાં લખેલું હોય છે.
વોરંટી, રિટર્ન અને રિફંડને લઈને નિયમો
પ્રોડક્ટની વોરંટી, રિટર્ન અને રિફંડને લઈને દરેક એપના અલગ નિયમો હોય છે. ઘણી વખત પ્રક્રિયા શું છે તે સમજવું મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે એવું નહીં ચાલે. પ્રોડક્ટ રિટર્ન થશે કે રિપ્લેસ, તેની માહિતી સ્પષ્ટ રીતે આપવી પડશે. વોરંટીમાં શું કવર થશે અને તેની જવાબદારી કોની રહેશે તે પણ જણાવવું પડશે. જો કોઈ પ્રોડક્ટની એક્સપાયરી તારીખ હોય તો તેની માહિતી પણ મોટા અક્ષરોમાં આપવી પડશે.
જો કોઈ પ્રોડક્ટ દેશની બહારથી ઈમ્પોર્ટ કરવામાં આવી હોય તો તે ક્યાંથી આવી છે તેની માહિતી આપવી પડશે. તેને ઈમ્પોર્ટ કરનાર કંપનીની માહિતી પણ આપવી પડશે.
દરેક ઈ-કોમર્સ કંપનીએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન સાથે જોડાવું પડશે
ફાઈનલ બિલમાં કોઈપણ છુપાયેલા ચાર્જ ઉમેરી શકાશે નહીં. એટલે ઓફર ચાર્જ, સેફ પેકિંગ ચાર્જ, હેન્ડલિંગ ચાર્જ જેવા કોઈપણ ચાર્જ લેવામાં આવે તો તેની માહિતી પહેલાંથી જ આપવી પડશે.
એટલે ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકો પાસેથી અલગ-અલગ રીતે છુપાયેલા ચાર્જ વસૂલે છે અને ગેરમાર્ગે દોરે છે, તેના પર હવે લગામ લાગશે.