કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે જાહેર કરવામાં આવેલી 'એમ્નેસ્ટી સ્કીમ ૨૦૨૬' હેઠળ, જે સંસ્થાઓ મુક્તિ પ્રાપ્ત પીએફ ટ્રસ્ટનું સંચાલન કરે છે, તેમને પોતાની કાનૂની સ્થિતિને નિયમિત કરવાની એક વિશેષ તક આપવામાં આવી છે. આ યોજના 29 જૂન, 2026થી અમલમાં આવી છે અને આગામી થોડા મહિનાઓ સુધી તે ઉપલબ્ધ રહેશે.

યોજનાનો ઉદ્દેશ્ય અને લાભાર્થીઓ:

ઘણી એવી સંસ્થાઓ છે જે આવકવેરા કાયદા, 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પીએફ ટ્રસ્ટ તો ચલાવે છે, પરંતુ તેમની પાસે સરકાર દ્વારા જારી કરાયેલ ઔપચારિક 'મુક્તિ સૂચના'નો અભાવ છે. આવી સંસ્થાઓ માટે આ યોજના એક આશીર્વાદ સમાન છે. આ ઉપરાંત, જે કંપનીઓ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ મુક્તિ પ્રાપ્ત સંસ્થા તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે, તેઓ પણ આ સ્કીમ હેઠળ અરજી કરી શકે છે.

શું મળશે રાહત?

આ એમ્નેસ્ટી યોજના હેઠળ જે સંસ્થાઓ પોતાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરશે, તેમને નીચે મુજબના ફાયદા થશે:

દંડ અને વ્યાજમાં માફી: જો કંપનીએ કર્મચારીઓના ખાતામાં કાયદાકીય દર મુજબ અથવા તેનાથી વધુ વ્યાજ અને યોગદાન જમા કરાવ્યું હોય, તો બાકી રહેલા મૂલ્યાંકન, નુકસાની અને વ્યાજ સંબંધિત કાર્યવાહી પાછી ખેંચી લેવામાં આવશે.

અન્ય નિયમોમાં છૂટછાટ: નિયમિત થતી સંસ્થાઓને લઘુત્તમ કર્મચારી સંખ્યા અને ટ્રસ્ટ કોર્પસની કઠોર શરતોમાંથી મુક્તિ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ પ્રક્રિયા:

EPFO ના નિયમ અનુસાર, હવે માત્ર તે જ ભવિષ્ય નિધિઓને આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ હેઠળ માન્યતા મળશે, જેમને કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, ૧૯૫૨ ની કલમ ૧૭ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આ યોજના સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ પૂર્વવર્તી મુક્તિ મેળવવાની પણ સુવિધા આપે છે.

આ એક 'વન-ટાઇમ' તક છે, જેનો હેતુ કોર્પોરેટ સેક્ટરના પીએફ સંચાલનમાં પારદર્શિતા લાવવાનો અને સંસ્થાઓને કાનૂની ગૂંચવણોમાંથી મુક્ત કરવાનો છે. જે સંસ્થાઓ લાંબા સમયથી પીએફ નિયમોના પાલન અંગે અનિશ્ચિતતામાં હતી, તેમના માટે આ સુધારો લાંબાગાળાનું પ્રોત્સાહન સાબિત થશે. યોગ્ય સમય મર્યાદામાં અરજી કરીને સંસ્થાઓ દંડની કાયમી મુક્તિ મેળવી શકે છે.

આ પણ વાંચોઃ US: ડોનાલ્ડ ટ્રમ્પની નજીકી નેતા લિન્ડસે ગ્રેહામનું 71 વર્ષની વયે નિધન