આજના સમયમાં નોકરી બદલવી સામાન્ય બની ગઈ છે, પરંતુ આ પ્રક્રિયામાં થતી નાની બેદરકારી કર્મચારીઓ માટે મોંઘી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે નવી કંપનીમાં જોડાતી વખતે કર્મચારી પોતાનો જૂનો UAN (Universal Account Number) શેર કરતો નથી. આવી સ્થિતિમાં નવો UAN જનરેટ થઈ જાય છે અને એક જ વ્યક્તિ પાસે એક કરતાં વધુ UAN બની જાય છે, જે EPFOના નિયમો મુજબ ગેરકાયદેસર છે.
UAN શું છે ?
UAN એક કાયમી 12 અંકનો નંબર છે, જે સમગ્ર કારકિર્દી દરમ્યાન એક જ હોવો જોઇએ. તમારા તમામ EPF ખાતા આ એક જ UAN સાથે જોડાયેલા હોવા જોઈએ. જો PF ભંડોળ અલગ-અલગ UANમાં વહેંચાયેલું હોય, તો ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
સૌથી મોટું નુકસાન ક્યારે ?
સૌથી મોટું નુકસાન વ્યાજનું છે. EPFO નિયમ મુજબ, ફક્ત સક્રિય EPF ખાતા પર જ વ્યાજ ચૂકવવામાં આવે છે. જો કોઈ PF ખાતું ત્રણ વર્ષથી વધુ સમય સુધી નિષ્ક્રિય રહે, તો તેના પર વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે. એટલે કે, જૂના UAN સાથે જોડાયેલું PF ખાતું ધીમે ધીમે બિનઉપયોગી બની જાય છે.
કરવેરાની દૃષ્ટિએ જોખમ
બહુવિધ UAN હોવાને કારણે કરવેરા સંબંધિત જોખમ પણ વધી જાય છે. જો તમારી કુલ નોકરીનો સમયગાળો પાંચ વર્ષથી વધુ હોવા છતાં તે અલગ-અલગ UANમાં વહેંચાયેલો હોય, તો PF ઉપાડ કરતી વખતે તમને કર ચૂકવવો પડી શકે છે. કારણ કે તમે સતત 5 વર્ષની સેવા સાબિત કરી શકતા નથી.
ખોટી માહિતીના કારણે થઇ શકે ઊભી
આ સમસ્યા સામાન્ય રીતે ખોટી માહિતીના કારણે ઊભી થાય છે. આધાર, PAN અથવા નામની જોડણીમાં તફાવત, જન્મ તારીખ અથવા લિંગમાં ગેરમેળ, અથવા અગાઉની કંપની દ્વારા exit date અપડેટ ન કરવી—આ બધા કારણોસર નવો UAN જનરેટ થઈ શકે છે. તેથી UAN મર્જ કરતા પહેલા ખાતરી કરો કે આધાર, PAN અને EPFO રેકોર્ડમાં તમારી વ્યક્તિગત વિગતો સંપૂર્ણપણે મેળ ખાતી હોય. KYC સંપૂર્ણ અને વેરિફાઈડ હોવી જરૂરી છે.
UAN મર્જ કરવાની સરળ પ્રક્રિયા
જો તમારી તમામ માહિતી સાચી છે, તો UAN મર્જ કરવું સરળ છે. EPFOના Member Portal પર લોગિન કરીને “One Member One EPF Account” સેવાનો ઉપયોગ કરી શકો છો. આ દ્વારા તમે જૂના PF ખાતાને તમારા હાલના સક્રિય UANમાં ટ્રાન્સફર કરી શકો છો. વિનંતી સબમિટ થયા પછી તમને ટ્રેકિંગ નંબર મળશે, જેના દ્વારા તમે અરજીની સ્થિતિ તપાસી શકો છો.
આ પણ વાંચો : Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 327 પોઇન્ટ તૂટ્યો