EPFO એક લાંબા સમયની બચત યોજના છે, જેમાં દર મહિને કર્મચારી અને એમ્પ્લોયર બંને યોગદાન આપે છે. જમા થયેલી રકમ પર દર વર્ષે સરકાર વ્યાજ આપે છે. પરંતુ ઘણી વખત એવી ઘટના ઘટે કે એવી કોઇક પરિસ્થિતિ આવે કે અધ વચ્ચે પીએફના રૂપિયા નીકાળવા પડે છે. ત્યારે દરેકના મનમાં પ્રશ્ન અવશ્ય ઉભો થતો હશે કે શું વચ્ચે રૂપિયા ઉપાડવામાં આવે તો વ્યાજ મળશે કે નહીં? અને મળશે તો આખું કે અડધુ વ્યાજ મળશે....આ બધા જ સવાલોના જવાબ મેળવીએ આ અહેવાલમાં
સૌથી પહેલા જાણીએ પીએફ વ્યાજનુ કેલ્ક્યુલેશન કેવી રીતે થાય?
હકીકતમાં EPFO વ્યાજનુ કેલ્ક્યુલેશન સરળ છે. માત્ર તેને સમજવાની જ જરૂરત છે. EPFO દરેક ફાયનાન્સિયલ યરના અંતમાં વ્યાજની જાહેરાત કરે છે. પરંતુ તેનુ કેલ્ક્યુલેશન દર મહિનાના એન્ડ બેલેન્સ પર કરવામાં આવે છે. હાલ EPFO માટે વ્યાજ દર 8.25 ટકા છે. એટલે કે દર મહિનાની અંતિમ તારીખ પર જે બેલેન્સ જોવા મળે છે, તેના પર તે મહિનાનુ વ્યાજ ગણવામાં આવે છે. જ્યારે આખું વર્ષ પૂરૂ થાય ત્યારે બધા જ મહિનાના વ્યાજને જોડીને એક સાથે જમા કરી દેવામાં આવે છે.
વચ્ચે રૂપિયા ઉપાડીએ તો વ્યાજ કેવી રીતે મળે?
જો તમે કોઈપણ મહિનામાં તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડો છો, તો EPFO તે મહિનાથી તમારા નવા બેલેન્સના આધારે તમારા વ્યાજ દરની ગણતરી કરવાનું શરૂ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે સપ્ટેમ્બરમાં પૈસા ઉપાડો છો, તો વ્યાજ દરની ગણતરી સપ્ટેમ્બરના અંતના બેલેન્સના આધારે કરવામાં આવશે. આનો અર્થ એ કે તમને ઉપાડ પહેલાના બધા મહિનાઓ માટે સંપૂર્ણ વ્યાજ મળશે, અને ઉપાડ પછી બાકી રહેલી રકમ પર વધુ વ્યાજ ચૂકવવામાં આવશે. આનો અર્થ એ છે કે ઉપાડની તારીખે વ્યાજ બંધ થતું નથી. માત્ર તમારા ખાતામાં બાકી રહેલી રકમ પર નવી રીતે વ્યાજ ગણના શરૂ કરાય છે.
એક સરળ ઉદાહરણ તરીકે સમજીએ
માની લો કે તમારાં પીએફમાં એપ્રિલ સુધી 2 લાખ રૂપિયા હતા, તમે ઓગસ્ટમાં 50,000 રૂપિયા નીકાળ્યા.હવે કેલ્ક્યુલેશનમાં એપ્રિલથી જુલાઇ સુધી 2 લાખ રૂપિયા પર વ્યાજ ગણાશે અને ઓગ્સટ મહિનાના અંતમાં બેલેન્સ 1.5 લાખ રહેશે એટલે કે પછીના મહિને 1.5 લાખ પર વ્યાજ ગણાશે. એટલે કે વ્યાજ ઓછું નથી થતુ. પરંતુ બેલેન્સ ઓછું હોવાને કારણે તેની રકમ થોડી ઓછી થઇ શકે છે.










