કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. સરકાર એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે તેથી તમે દર 10 વર્ષે તમારા PF ખાતામાંથી સંપૂર્ણ અથવા આંશિક પૈસા ઉપાડી શકશો. સરકાર EPFOના આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે જેથી નોકરી કરતા લોકો તેમની જરૂરિયાતો અનુસાર તેમના મહેનતના પૈસા ઉપાડી શકશે.

જાણો શું હતો નિયમ?

અત્યાર સુધી EPFમાંથી સંપૂર્ણ પૈસા ફક્ત નિવૃત્તિ પર (સામાન્ય રીતે 58 વર્ષની ઉંમરે) અથવા જો તમે 2 મહિનાથી વધુ સમય માટે બેરોજગાર હોવ તો જ ઉપાડી શકાય છે. સરકાર જો આ નવો નિમય લાવશે તો તેના હેઠળ તમે દર 10 વર્ષે તમારા PF ખાતામાંથી સંપૂર્ણ અથવા આંશિક પૈસા ઉપાડી શકશો.

યુવાનોને થશે આ લાભ

સરકાર દ્વારા જો આ નિયમ લાગુ કરવામાં આવે તો લોકો 30 કે 40 વર્ષની ઉંમરે પણ તેમની EPF રકમ ઉપાડી શકશે. જોકે, એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર ઉપાડને સંપૂર્ણ રકમને બદલે 60% સુધી મર્યાદિત કરી શકે છે. યુવાન કર્મચારીઓ ભંડોળનો ઉપયોગ તેમની જરૂરિયાતો માટે કરી શકશે જેમ કે ઘર ખરીદવા અથવા વ્યવસાય શરૂ કરવા માટે ઉપયોગી બની શકે.

સરકારનો ઈરાદો શું છે?

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, EPF નિયમોમાં થોડા સમય માટે છૂટછાટ આપવાનો હેતુ ખાતાધારકોને તેમના પૈસા સરળતાથી વાપરવા દેવાનો છે. દર 10 વર્ષે ઉપાડનો પ્રસ્તાવ પણ આ વિચારનો એક ભાગ છે. સરકાર ઇચ્છે છે કે લોકો તેમની મહેનતથી કમાયેલા પૈસાનો ઉપયોગ તેમની જરૂરિયાતો અનુસાર કરી શકે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, EPFનો વાસ્તવિક હેતુ નિવૃત્તિ માટે એક સુરક્ષિત ભંડોળ બનાવવાનો છે. વારંવાર ઉપાડ મુક્તિને કારણે લોકો તેમની ભવિષ્યની બચત ઘટાડી શકે છે. આવા નિયમો ખૂબ જ વિચારપૂર્વક બનાવવા પડશે જેથી નાની જરૂરિયાતો નિવૃત્તિની સુરક્ષા કરતાં વધુ ન થાય. વધુ એક નિષ્ણાતે કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં નાણાં વધશે જેનો અર્થતંત્રને ફાયદો થશે. તેઓ એમ પણ કહે છે કે વારંવાર ઉપાડ નિવૃત્તિ માટે બચત ઘટાડી શકે છે.

EPF શું છે?

EPF એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ ભારતની સૌથી મોટી નિવૃત્તિ બચત યોજના છે. કર્મચારી અને નોકરીદાતા બંને તેમના પગારનો એક ભાગ જમા કરે છે જેના પર વ્યાજ પણ મળે છે. તેનો હેતુ નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. જો આ નવો નિયમ લાગુ કરવામાં આવે છે, તો EPFના ઇતિહાસમાં આ સૌથી મોટો ફેરફાર હશે.

  • Follow us on: