Ethanol Car: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઓક્ટોબરમાં સંપૂર્ણપણે ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ કરવામાં આવશે. આ કારમાં પેટ્રોલની જરાય જરૂર નહીં પડે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, આ કાર ચલાવવાનો ખર્ચ લગભગ 25 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલથી ચાલતી કારના ખર્ચ જેટલો હશે. ગડકરીએ સરકારની E20 ઇથેનોલ બ્લેન્ડિંગ નીતિની ટીકા વચ્ચે આ જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક મહિનાથી સંસદ અને સોશિયલ મીડિયા પર E20 નીતિથી વાહનોના એન્જિન પર થતી અસરને લઈને ચર્ચા ચાલી રહી છે.
100% ઇથેનોલવાળી કાર વિશે શું કહ્યું?
ગડકરીએ જણાવ્યું કે તેમને ઓક્ટોબરમાં ટોયોટાની ઇનોવા ફ્લેક્સ-ફ્યુઅલ કારના લોન્ચ માટે બોલાવવામાં આવ્યા છે. આ કાર પેટ્રોલને બદલે 100 ટકા ઇથેનોલ પર ચાલવા માટે બનાવવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે આ કાર ચાલતી વખતે 60 ટકા વીજળી પણ ઉત્પન્ન કરશે. ‘બિઝનેસ ટુડે’ના અહેવાલ મુજબ, ગડકરીએ કહ્યું કે દુનિયાના 19 દેશોમાં ઇથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને ભારતમાં હાલ કોઈપણ વાહનને લઈને કોઈ ફરિયાદ મળી રહી નથી. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં તેમને ટોયોટાની ઇનોવા કારના લોન્ચ માટે બોલાવવામાં આવ્યા છે, જે 100 ટકા ફ્લેક્સ-ફ્યુઅલ પર ચાલશે.
અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી’ ગડકરી
ગડકરીએ કહ્યું કે ભારતમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણથી ચાલતા વાહનો અંગે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી. તેમના આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે E20 પેટ્રોલના કારણે વાહનોની ફ્યુઅલ એફિશિયન્સી અને એન્જિનની કામગીરી પર થતી અસરને લઈને સામાન્ય લોકો અને સાંસદો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર પહેલાથી જ કહી ચૂકી છે કે તેને વાહન બનાવતી કંપનીઓ, ઓટોમોબાઇલ એસોસિએશન અથવા ગ્રાહક સંગઠનો તરફથી E20ના માઇલેજ, એન્જિનની સ્થિતિ અથવા મેન્ટેનન્સ ખર્ચ પર થતી અસર અંગે કોઈ મોટી કે નક્કર ફરિયાદ મળી નથી. સરકાર પોતાના દાવાના સમર્થનમાં એન્જિનની ડ્યુરેબિલિટી અને મટિરિયલ કમ્પેટિબિલિટી અંગે થયેલા લેબ અભ્યાસ અને ફીલ્ડ ટ્રાયલ્સનો હવાલો આપી ચૂકી છે.
ભારતમાં બીજી ફ્લેક્સ-ફ્યુઅલ કાર કઈ છે?
ટોયોટાની માત્ર ઇથેનોલથી ચાલતી ઇનોવા ભારત માટે તૈયાર કરવામાં આવી રહેલી આવી પહેલી કાર નથી. જૂનમાં મારુતિ સુઝુકીએ દેશની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરી હતી. ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણ એટલે કે E20થી લઈને શુદ્ધ ઇથેનોલ સુધીના ઇંધણ પર ચાલવા માટે બનાવવામાં આવે છે. આ કારણે વાહન માલિકોને ઇંધણની ઉપલબ્ધતા પ્રમાણે વિકલ્પ પસંદ કરવાની સુવિધા મળે છે.
બાઇક ટેક્સીને પણ પ્રોત્સાહન
ઇથેનોલની જાહેરાત સાથે ગડકરીએ બાઇક ટેક્સી સર્વિસના વધુ ઉપયોગ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે એપ આધારિત પ્લેટફોર્મ ટૂ-વ્હીલર માલિકોને કોઈ નવા રોકાણ વગર વધારાની કમાણીનો રસ્તો આપી શકે છે. તેમણે જણાવ્યું કે રાજ્યોના પરિવહન મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે ગામડાઓમાં પહેલેથી ટૂ-વ્હીલર ધરાવતા લોકો માટે પણ આ વિકલ્પ ખોલવામાં આવે. તેમનો દાવો છે કે જો આ વ્યવસ્થા તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવે તો કરોડો લોકો માટે રોજગારની તકો ઊભી થઈ શકે છે.
ભારતમાં ઇથેનોલને શા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે?
મધ્ય પ્રદેશમાં નવી પબ્લિક બસ સર્વિસના લોન્ચિંગ દરમિયાન એક અલગ કાર્યક્રમમાં પણ ગડકરીએ ઇથેનોલ અંગે આવી જ વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે ઇથેનોલ ખેડૂતોને ‘ઊર્જા દાતા’ બનાવી રહ્યું છે. ઇથેનોલનું ઉત્પાદન શરૂ થયા બાદ મકાઈના ભાવમાં થયેલા વધારાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ગડકરી પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે ફ્લેક્સ-ફ્યુઅલ, ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન વાહનોને પ્રોત્સાહન આપવાની સતત વાત કરતા રહ્યા છે. ભારતમાં ઇથેનોલ હાલ ખૂબ ચર્ચામાં છે, જેનું એક મુખ્ય કારણ E20 બ્લેન્ડિંગ નીતિ છે. આ નીતિ હેઠળ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે. આ નીતિને લઈને સંસદ અને સોશિયલ મીડિયા પર વાહનોના માઇલેજ અને એન્જિનની સ્થિતિ પર થતી અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ટોલ પ્લાઝા થશે બેરિયર-ફ્રી, કેમેરાથી નંબર પ્લેટ સ્કેન કરી કપાશે પૈસા