ભારતના એક્સપોર્ટ ક્ષેત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મે 2026 દરમિયાન દેશનો મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ (માલની નિકાસ) વાર્ષિક ધોરણે 18 ટકા વધીને 45.20 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. બીજી તરફ ઈમ્પોર્ટમાં પણ વધારો નોંધાયો છે અને તે 73.41 અબજ ડોલર રહી છે. જોકે ઈમ્પોર્ટમાં વૃદ્ધિ છતાં દેશનો વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) લગભગ સ્થિર રહ્યો છે. મે મહિનામાં ટ્રેડ ડેફિસિટ 28.21 અબજ ડોલર નોંધાયો હતો, જે એપ્રિલમાં 28.38 અબજ ડોલર હતો.


માસિક ઈમ્પોર્ટમાં વધારો જોવા મળ્યો

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે મે 2026 એવા મહિનાઓમાં સામેલ રહ્યો છે જેમાં સૌથી વધુ માસિક ઈમ્પોર્ટમાં વધારો જોવા મળ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વના સંકટને કારણે અગાઉ અસરગ્રસ્ત બનેલી નિકાસમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુએઈ, સાઉદી અરેબિયા, જોર્ડન અને યમન તરફ થતી નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવાની શક્યતા વધી

આ સુધારો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા માટે પ્રારંભિક સમજૂતીની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવાની શક્યતા વધી છે. તેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલ વેપારને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શું નવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી થશે ફાયદો?

રાજેશ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતનો નિકાસ આધાર લગભગ બમણો થયો છે, જ્યારે સેવા ક્ષેત્રની નિકાસમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે. સરકારને આશા છે કે નવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અમલમાં આવ્યા બાદ નિકાસ વૃદ્ધિને વધુ વેગ મળશે. આ માટે સરકાર વિવિધ રાજ્યોમાં વર્કશોપ યોજીને નિકાસકારોને આ કરારોના લાભ વિશે માર્ગદર્શન આપશે. આ દરમિયાન સોનાની આયાતમાં પણ તેજી જોવા મળી છે. એપ્રિલ-મે 2026 દરમિયાન સોનાની આયાતમાં 60 ટકા વધારો નોંધાયો છે અને તે 9.04 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : US Iran Peace Deal: આ સમજૂતી વિશ્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરશે, અમેરિકા ઇરાન ડીલ પર PM મોદીનું ટ્વિટ



 

  • Follow us on: