દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFC બેંક દ્વારા સરેરાશ માસિક બેલેન્સની રકમ વધારી દેવાઇ હોવાના ઘણા બધા અહેવાલો બહાર આવ્યા હતા. જો કે બેંકે સ્પષ્ટતા કરી છે કે બેંક દ્વારા સરેરાશ માસિક બેલેન્સની રકમમાં કોઇ વધારો કરાયો નથી અને તે જે રકમ છે તે જ યથાવત છે. તેમાં કોઇ ફેરફાર કરાયો નથી.


અગાઉ આ અહેવાલો આવ્યા હતા

ઉલ્લેખનિય છે કે બુધવારે એવા અહેવાલો ફરતા થયા હતા કે HDFC બેંકે તેના નવા બચત ખાતાઓ માટે લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ મર્યાદામાં વધારો કર્યો છે. 1 ઓગસ્ટ, 2025 થી મેટ્રો અને શહેરી શાખાઓમાં ખોલવામાં આવેલા નવા ખાતાઓમાં હવે 25,000 રુપિયાનું માસિક સરેરાશ બેલેન્સ જાળવવું ફરજિયાત રહેશે.

 દરેક પ્રકારમાં સરેરાશ માસિક બેલેન્સની જરૂરિયાતો અલગ અલગ હોય છે

જો કે એચડીએફસી બેંકે કહ્યું છે કે અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે HDFC બેંક ગ્રાહક પ્રોફાઇલને અનુરૂપ બચત ખાતાઓના અનેક પ્રકારો ઓફર કરે છે. ઓફર કરવામાં આવતી મૂલ્યવર્ધિત સેવાઓના આધારે દરેક પ્રકારમાં સરેરાશ માસિક બેલેન્સની જરૂરિયાતો અલગ અલગ હોય છે.



AMB માં કોઈ ફેરફાર થયો નથી

કોઈપણ પ્રકારના ખાતા માટે સરેરાશ માસિક બેલેન્સ AMBમાં કોઈ ફેરફાર થયો નથી. નિયમિત બચત ખાતા માટે AMB 10,000 રુપિયા છે તથા બચત મહત્તમ ખાતા માટે AMB 25,000 રુપિયા છે.

ગ્રાહકોને સેવિંગ્સ મેક્સ એકાઉન્ટ ઓફર

બેંકે કહ્યું કે ગ્રાહક પ્રોફાઇલના આધારે ગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી અને મેટ્રોપોલિટન શાખાઓમાં બધા પ્રકારો ઉપલબ્ધ છે. મેટ્રોપોલિટન વિસ્તારોમાં ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, બેંક મેટ્રોપોલિટન શાખાઓમાં નવા ખાતા ખોલનારા ગ્રાહકોને સેવિંગ્સ મેક્સ એકાઉન્ટ ઓફર કરવાનું પસંદ કરશે.

  • Follow us on: