કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ફેમિલી પેન્શનના નવા નિયમો અંગે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા 29 ઓક્ટોબર, 2026 ના રોજ એક મહત્વપૂર્ણ ઓફિસ મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકામાં કર્મચારીના અવસાન બાદ પરિવારના કયા સભ્યો પેન્શન મેળવવા માટે હકદાર બનશે તેની વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. ફેમિલી પેન્શનનો લાભ મેળવવા માટે અરજદારોએ નિર્ધારિત આવક મર્યાદા અને પાત્રતાના માપદંડોને પૂર્ણ કરવા ફરજિયાત છે.
ફેમિલી પેન્શન માટે પાત્રતા અને નિયમોની સ્પષ્ટતા
ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, પરિવારના તમામ સભ્યો આપમેળે ફેમિલી પેન્શન માટે લાયક ઠરતા નથી. આ સહાય અરજદારના મૃત કર્મચારી સાથેના સંબંધ, તેમની વ્યક્તિગત આવક અને નાણાકીય નિર્ભરતાના આધાર પર નક્કી થાય છે. આ નવી સ્પષ્ટતા દ્વારા અપરિણીત, વિધવા અને છૂટાછેડા લીધેલી પુત્રીઓ, પુનર્લગ્ન કરનાર નિઃસંતાન વિધવાઓ, આશ્રિત માતાપિતા તેમજ અપંગ બાળકો અને ભાઈ-બહેનો માટે પેન્શન મેળવવાની શરતોને અત્યંત સ્પષ્ટ કરવામાં આવી છે.
આવક મર્યાદામાંથી કોને મળશે મુક્તિ?
કાયદેસર રીતે પરિણીત જીવનસાથી (પતિ/પતની) માટે કોઈ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી. એટલે કે, જીવનસાથીની અંગત આવક ગમે તેટલી હોય, તેઓ કૌટુંબિક પેન્શન મેળવવા માટે હકદાર રહે છે. જોકે, પુનર્લગ્ન કરાયેલી નિઃસંતાન વિધવા અને પરિવારના અન્ય સભ્યોએ પેન્શનનો લાભ લેવા માટે સરકારે નક્કી કરેલી આવક મર્યાદાના માપદંડને સંતોષવો અનિવાર્ય છે.
સીસીએસ (પેન્શન) નિયમો હેઠળ નિર્ધારિત આવક ધોરણો
સીસીએસ (પેન્શન) નિયમો, 2021 ના નિયમ 50(11) અંતર્ગત બે અલગ-અલગ આવક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે:
અન્ય પાત્ર સભ્યો અને પુનર્લગ્ન કરાયેલી નિઃસંતાન વિધવા: જીવનસાથી સિવાયના અન્ય સ્ત્રોતોમાંથી આ પાત્ર સભ્યોની કુલ માસિક આવક ₹9,000 તેમજ તેની સાથે લાગુ પડતી મોંઘવારી રાહત (DR) કરતા ઓછી હોવી જોઈએ.
અપંગ બાળકો અને ભાઈ-બહેનો: માનસિક કે શારીરિક અશક્તતા ધરાવતા બાળકો અને ભાઈ-બહેનોની અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક તેમને મળવાપાત્ર કૌટુંબિક પેન્શનની રકમ કરતાં ઓછી હોવી જરૂરી છે. સામાન્ય રીતે આ પેન્શનની રકમ કર્મચારીના મૂળ પગારના 30% વત્તા લાગુ પડતી મોંઘવારી રાહત (DR) જેટલી હોય છે.
નાણાકીય નિર્ભરતાનો પુરાવો રજૂ કરવો અનિવાર્ય
પરિવારના કેટલાક ચોક્કસ સભ્યો માટે માત્ર આવક મર્યાદામાં આવવું પૂરતું નથી, પરંતુ તેમણે એ પણ સાબિત કરવું પડશે કે તેઓ મૃત કર્મચારી કે પેન્શનર પર આર્થિક રીતે સંપૂર્ણ નિર્ભર હતા:
દીકરીઓ: અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી દીકરીઓએ એવો પુરાવો આપવો પડશે કે તેઓ માતાપિતાના હયાત સમયગાળા દરમિયાન તેમના પર આર્થિક રીતે નિર્ભર હતી.
માતાપિતા અને અપંગ ભાઈ-બહેનો: આશ્રિત માતાપિતા અને અપંગ ભાઈ-બહેનોએ પણ કર્મચારીના મૃત્યુ અગાઉ તેમના પર આર્થિક નિર્ભરતા હોવા અંગેના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડશે.
આ પણ વાંચો : Delhi: Ola પર CCPAનો રૂ. 10 લાખનો દંડ, રાઇડ પહેલાં ‘ટિપ’ માગવાનો ખેલ બંધ કરવાનો આદેશ