વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા ભારતીય ઈક્વિટી બજારમાંથી આશરે ₹27,048 કરોડની વેચવાલી કરી છે. બદલાતા વૈશ્વિક આર્થિક અને ભૂરાજકીય પરિસ્થિતિઓ વચ્ચે વૈશ્વિક રોકાણકારો વધુ સાવચેત બન્યા હોવાનું આ પ્રવૃત્તિ દર્શાવે છે.
તમામ મહિનાઓમાં FPIs નેટ વેચનાર રહ્યા
NSDLના આંકડા મુજબ, વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં FPI દ્વારા કુલ ₹2.2 લાખ કરોડની નેટ વેચવાલી થઈ ચૂકી છે, જે આખા 2025 દરમિયાન થયેલી ₹1.66 લાખ કરોડની ઉપાડ કરતાં પણ વધુ છે. 2026 દરમિયાન ફેબ્રુઆરી સિવાય તમામ મહિનાઓમાં FPIs નેટ વેચનાર રહ્યા છે. જાન્યુઆરીમાં તેમણે ₹35,962 કરોડની વેચવાલી કરી હતી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં તેઓ નેટ ખરીદદારો બન્યા હતા અને ₹22,615 કરોડનું રોકાણ કર્યું હતું, જે છેલ્લા 17 મહિનામાં સૌથી મોટું માસિક રોકાણ હતું.
વેચવાલી પાછળના મુખ્ય કારણો
જોકે માર્ચમાં ટ્રેન્ડ ફરી બદલાયો અને વિદેશી રોકાણકારોએ રેકોર્ડ ₹1.17 લાખ કરોડની વેચવાલી કરી. એપ્રિલમાં પણ ₹60,847 કરોડની નેટ ઉપાડ નોંધાઈ હતી અને મે મહિનામાં અત્યાર સુધીમાં ₹27 હજાર કરોડથી વધુની વેચવાલી થઈ ચૂકી છે. વૈશ્વિક વિકાસ અંગેની અનિશ્ચિતતા, વધતા ભૂરાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં થતી અસ્થિરતાના કારણે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર દબાણ આવ્યું છે. તેમણે જણાવ્યું કે મજબૂત અમેરિકન ડોલર અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો પણ વેચવાલી પાછળના મુખ્ય કારણો છે.
રૂપિયામાં નબળાઈ અને AI સેક્ટરનો પ્રભાવ
વિકસિત દેશોના બજારોમાં વધુ રિટર્ન મળતાં રોકાણકારો હવે વધુ સુરક્ષિત સંપત્તિઓ તરફ વળી રહ્યા છે. ઉપરાંત, વૈશ્વિક મોંઘવારી અને વ્યાજદરમાં ઘટાડાને લઈને કેન્દ્રીય બેન્કોની નીતિઓ અંગેની અનિશ્ચિતતા પણ વૈશ્વિક મૂડી રોકાણના નિર્ણયો પર અસર કરી રહી છે. સતત FPI વેચવાલી અને વધતા કરંટ અકાઉન્ટ ડેફિસિટના કારણે રૂપિયામાં દબાણ વધી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષની શરૂઆતમાં ડોલર સામે રૂપિયો 90ના સ્તરે હતો, જ્યારે 15 મેના રોજ તે 96.14 સુધી પહોંચી ગયો હતો.
તેમણે ચેતવણી આપી કે જો વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી ચાલુ રહેશે અને ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેશે તો રૂપિયો વધુ નબળો પડી શકે છે. વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓમાં મોટાપાયે મૂડી રોકાણ થઈ રહ્યું છે. તેના કારણે ભારત જેવા બજારોમાંથી કેટલાક ફંડ અન્ય બજારો તરફ વળી રહ્યા છે, કારણ કે AI ક્ષેત્રમાં ભારતને હાલમાં પાછળ માનવામાં આવે છે.
આ પણ વાંચો : NHPC Q4 Profit : સરકારી હાઈડ્રોપાવર કંપનીનીના નફામાં આવ્યો 69 ટકાનો ઉછાળો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.