અમેરિકા-ભારત વેપાર કરાર બાદ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ફેબ્રુઆરીના પહેલા બે અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં રૂપિયા 19,675 કરોડનું રોકાણ કર્યું છે. મળતી માહિતી મુજબ FPIsએ અગાઉ સતત ત્રણ મહિના સુધી ભારે વેચાણ કર્યું હતું. તેમણે જાન્યુઆરીમાં ભારતીય શેરબજારમાંથી રૂપિયા 35,962 કરોડ, ડિસેમ્બરમાં રૂપિયા 22,611 કરોડ અને નવેમ્બરમાં રૂપિયા 3,765 કરોડ પાછા ખેંચી લીધા હતા. FPIsએ 2025માં ભારતીય શેરબજારમાંથી રૂપિયા 1.66 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે.
FPIsની જોખમ લેવાની ક્ષમતામાં સુધારો
મળતી માહિતી મુજબ FPIsએ આ મહિને 13 ફેબ્રુઆરી સુધીમાં ઇક્વિટીમાં રૂપિયા 19,675 કરોડનું રોકાણ કર્યું છે. તાજેતરની ખરીદીને વૈશ્વિક મેક્રો ચિંતાઓમાં ઘટાડો, ખાસ કરીને યુએસમાં નરમ ફુગાવાના ડેટા દ્વારા ટેકો મળ્યો છે. આનાથી ભારત સહિત ઉભરતા બજારોમાં FPIs ની જોખમ લેવાની ક્ષમતામાં સુધારો થયો છે. ત્યારે યુએસ-ભારત વેપાર કરાર, નાણાકીય વર્ષ 2026-27 માટે સહાયક કેન્દ્રીય બજેટ અને વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓમાં ઘટાડાને કારણે FPI દ્વારા આ રોકાણ જોવા મળ્યું છે.
ફેબ્રુઆરીમાં FPIs ચોખ્ખા ખરીદદાર બન્યા
ફેબ્રુઆરીમાં 11 ટ્રેડિંગ સત્રોમાંથી સાતમાં FPIs ચોખ્ખા ખરીદદાર હતા અને ચારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. ડેટા દર્શાવે છે કે FPIsએ આ મહિને રૂપિયા 1,374 કરોડના શેર વેચ્યા હતા. 13 ફેબ્રુઆરીએ નિફ્ટીના 336-પોઈન્ટના ઘટાડા દરમિયાન, FPIsએ રૂપિયા 7,395 કરોડના શેર વેચ્યા હતા.
ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થયો
ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 6 કંપનીઓના માર્કેટ કેપમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ઈન્ફોસિસને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું. ગયા અઠવાડિયે BSEના 30 શેરવાળા સેન્સેક્સમાં 953.64 પોઈન્ટ અથવા 1.14 ટકાનો ઘટાડો થયો હતો. TCS, ઈન્ફોસિસ, HDFC બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અને ભારતી એરટેલનું માર્કેટ કેપ ગયા અઠવાડિયે ઘટ્યું હતું. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને ICICI બેન્કનું માર્કેટ કેપ વધ્યું હતું.
આ પણ વાંચો : Auto News : વિદેશી બજારોમાં ભારતીય કાર ચમકી, નિકાસમાં 33%નો વધારો