ભારતમાં બ્લિંકિટ, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન નાઉ જેવી ૧૦-મિનિટ ક્વિક ડિલિવરી કંપનીઓ પર હવે નિયમોનો શિકંજો વધુ કસાઈ શકે છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતી ખાદ્ય ચીજોની સલામતી અને માહિતી અંગેના નિયમો કડક બનાવવાનું વિચારી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ કડકતાનો મુખ્ય હેતુ ખોટા દાવાઓ અને ખાદ્ય ચીજોના અયોગ્ય સંગ્રહ જેવી અનિયમિતતાઓને રોકવાનો છે. FSSAI ના CEO રજિત પુન્હાનીએ જણાવ્યા અનુસાર નિયમનકાર આ કંપનીઓ માટે નિયમો કડક બનાવીને તેમને વધુ જવાબદાર બનાવવા જઈ રહ્યો છે.
ઉત્પાદનની સંપૂર્ણ માહિતી દર્શાવવી બનશે ફરજિયાત
FSSAI ના પ્રસ્તાવિત ફેરફારો મુજબ હવે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ખાદ્ય ઉત્પાદનોની સૂચિમાં મેન્યુફેક્ચરિંગ તારીખ, એક્સપાયરી તારીખ અને બેચ નંબર જેવી માહિતી પ્રદર્શિત કરવી ફરજિયાત બની શકે છે. જો કંપનીઓ ઉત્પાદનો વિશે ગેરમાર્ગે દોરનારા દાવા કરશે તો પ્લેટફોર્મને સીધા જવાબદાર ઠેરવવામાં આવશે. આ સિવાય 'ડાર્ક કિચન' (ડાર્ક સ્ટોર્સ) ના ફોટોગ્રાફ્સ અને સરનામાં જાહેર કરવા ફરજિયાત બની શકે છે. ફ્રોઝન ફૂડ અને અન્ય ખાદ્ય પદાર્થો યોગ્ય તાપમાને અને સુરક્ષિત સ્થિતિમાં રહે તે માટે ડાર્ક સ્ટોર્સનું નિરીક્ષણ વધારવામાં આવશે.
અગાઉ નિયમનકારી કાર્યવાહીનો સામનો કરી ચૂકેલી કંપનીઓ
છેલ્લા કેટલાક મહિનાઓમાં FSSAI એ ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી ઝડપી બનાવી છે. બ્લિંકિટ, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓને પ્રોડક્ટ્સનું ખોટું બ્રાન્ડિંગ, પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ અને માન્ય લાઇસન્સ વગર વેચાણ કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. તપસીસ બાદ ઇન્સ્ટામાર્ટે તેની પ્રોડક્ટ લિસ્ટિંગની સમીક્ષા હાથ ધરી હતી, જ્યારે એમેઝોને સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે અને નિયમોનું ઉલ્લંઘન કરતી પ્રોડક્ટ્સને તુરંત હટાવી દેવામાં આવે છે.
હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોટી બ્રાન્ડ્સ પણ તપાસના દાયરામાં
FSSAI ની કડકતા માત્ર ઓનલાઈન ક્વિક ડિલિવરી એપ્સ સુધી જ મર્યાદિત નથી. મોટા ખાદ્ય ઉત્પાદકો, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ પણ હવે એજન્સીની નજર હેઠળ છે. ખાસ કરીને જાહેરાતો, પ્રોડક્ટ પરના દાવાઓ, લેબલિંગ, બાળકો માટેના ઉત્પાદનોનું માર્કેટિંગ અને સ્ટોરેજ પદ્ધતિઓ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર નેસ્લે ઈન્ડિયા, પેપ્સિકો, ડાબર ઈન્ડિયા અને JW મેરિયોટ જેવી જાણીતી હોટેલ ચેન્સ પણ નિયમોના ઉલ્લંઘન બદલ તપાસ હેઠળ આવી ચૂકી છે.