મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે સોનું 1,00,314 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ થયુ હતું. આવુ પહેલીવાર થયુ કે સોનુ એકલાખને પાર પહોંચ્યુ હતું., વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને સ્થાનિક ચલણ રૂપિયામાં નબળાઈને લઇને ભાવમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
નિષ્ણાંતો અનુસાર ઇઝરાયલ-ઇરાન વચ્ચે વધતા તણાવને લઇને રોકાણકારો સોનાને સારો અને સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે. નિષ્ણાંતોનું એમ પણ કહેવુ છે કે જો હજી બંને દેશો વચ્ચે તણાવ વધે છે તો સોનાનો ભાવ 3500 ડોલર પ્રતિ ઔંસ સુધી જઇ શકે છે.
સોનાની કિંમતમાં વધારો કેમ ?
બીજી તરફ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને ભારતીય રૂપિયામાં ઘટાડાને કારણે સોનાની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. એક ખાનગી રિસર્ચ અનુસાર રૂપિયો 60 પૈસા ઘટ્યો જ્યારે ડોલર 86.10 પ્રતિ ડોલર પહોંચી ગયો છે. જેનાથી સોનાના ભાવમાં વધારો થયો છે. જો કે સોનામાં તેજીનું કારણ ન માત્ર ભૂ રાજકીય તણાવ પરંતુ શેર સટ્ટાની ગતિવિધિઓ સાથે પણ જોડાયેલુ છે. એક રિસર્ચ હેડનું માનવુ છે કે હાલ સોનામાં ભાવ વધારાનું કારણ એલ્ગોરિધમિક ટ્રેડિંગ અને સટ્ટા સોદા છે. નહી કે વાસ્તિવિક માંગ. તેમણે એમ પણ કહ્યું કે ઐતિહાસિક રૂપથી સોનું હંમેશા ભૂ રાજકીય સંકટોમાં વિશ્વસનીય રહ્યું નથી.
સોનામાં જબરદસ્ત તેજી
2025ની શરૂઆત થી લઇને અત્યાર સુધી સોનાએ 31 ટકા રિટર્ન આપ્યું છે. આ વર્ષે સોનુ ઉત્તમ પ્રદર્શન કરનાર અસ્કયામતોમાંથી એક છે. વેંચુરા સિક્યોરિટીઝના એનએસ રામાસ્વામીએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં સોનાની કિંમત 1,02,000 રૂપિયા સુધી જઇ શકે છે. બેંક ઓફ અમેરિકા અને Goldman Sachs જેવા વૈશ્વિક રોકાણ સંસ્થાન માને છે કે 2026 સુધી સોનું 4000 ડોલર પ્રતિ ઔંસ પર જઇ શકે છે.
અસ્થિર વૈશ્વિક સ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનુ એકવાર ફરી રોકાણકારો માટે સુરક્ષિત બન્યુ છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કિંમતોમાં મજબૂતી જળવાઇ રહી શકે છે.