સોનામાં હપ્તેથી રોકાણ કરવું એ દાગીના ખરીદવા માટે એક સ્માર્ટ રસ્તો ગણાય છે. તમે દર મહિને થોડી રકમ બચાવો છો અને સ્કીમ પૂરી થતા એકસાથે મોટો બોજ પડ્યા વગર તમે મનપસંદ ઘરેણાં ખરીદી શકો છો. જ્વેલર્સની ગોલ્ડ સેવિંગ્સ સ્કીમ આ જ વિચાર પર ચાલે છે. પરંતુ, આ સ્કીમ જેટલી સરળ લાગે છે એટલી જ તેમાં સાવચેતી રાખવી પણ જરૂરી છે.

ચાલો સમજીએ કે ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરતા પહેલા કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:


આ સ્કીમ કેવી રીતે કામ કરે છે?


મોટાભાગના જ્વેલર્સ 10 કે 11 મહિનાની સ્કીમ ચલાવે છે. જેમાં તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે. સ્કીમ પૂરી થતા તમે જમા થયેલા પૈસાથી દાગીના ખરીદી શકો છો. જ્વેલર્સ આકર્ષણ તરીકે ઘણીવાર એક મહિનાનો હપ્તો બોનસ તરીકે આપે છે અથવા મેકિંગ ચાર્જ (ઘડામણ) માં છૂટ આપે છે.


ક્યાં ભૂલ થઈ શકે છે?


સોનાના ભાવ:
સૌથી મોટી ગેરસમજ એ છે કે તમે જે દિવસે સ્કીમ શરૂ કરી તે દિવસના ભાવે સોનું મળશે. હકીકતમાં, મોટાભાગની સ્કીમમાં તમે સોનું નહીં પણ માત્ર 'પૈસા' જમા કરો છો. જ્યારે સ્કીમ પૂરી થાય અને તમે ખરીદી કરવા જાઓ, ત્યારે જે બજાર ભાવ ચાલતો હોય તે ભાવે જ તમારે સોનું ખરીદવું પડે છે. જો આ દરમિયાન સોનું મોંઘું થઈ જાય, તો તમારે વધુ કિંમત ચૂકવવી પડશે.

મેકિંગ ચાર્જની શરતો:
ઘણીવાર 'મેકિંગ ચાર્જ માફ' જેવી જાહેરાતો આકર્ષક લાગે છે, પણ તેની પાછળ શરતો છુપાયેલી હોય છે. કદાચ આ છૂટ માત્ર અમુક ખાસ ડિઝાઈન પર જ હોય, અથવા તેની કોઈ મર્યાદા નક્કી હોય. જો તમે ફેન્સી ડિઝાઈન પસંદ કરો, તો મોટો મેકિંગ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

નિયમોમાં બાંધછોડ નથી હોતી
આ સ્કીમ્સના નિયમો ખૂબ જ કડક હોય છે. જો તમે કોઈ મહિને હપ્તો ભરવાનું ચૂકી જાઓ અથવા સ્કીમ અધવચ્ચે છોડી દો, તો જ્વેલર તમને વચન આપેલું બોનસ કે ડિસ્કાઉન્ટ આપતા નથી. ઉપરાંત, જો છેલ્લે તમે દાગીના ન ખરીદવાનું નક્કી કરો, તો જમા કરેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અથવા બોનસ ગુમાવવું પડે છે.

ક્યારે આ સ્કીમ ફાયદાકારક છે?
જો તમે કોઈ પ્રસંગ કે લગ્ન માટે દાગીના ખરીદવાનું પહેલેથી જ નક્કી કરી લીધું હોય અને તમને કોઈ ચોક્કસ જ્વેલર પર ભરોસો હોય, તો આ સ્કીમ પૈસા બચાવવાનો સારો રસ્તો છે. પરંતુ, જો તમે સોનાના ભાવ લોક કરવા માંગતા હોવ અથવા તેને શુદ્ધ રોકાણ (Investment) તરીકે જોતા હોવ, તો આ વિકલ્પ તમારા માટે કદાચ યોગ્ય ન પણ હોય.

સ્કિમમાં જોડાતા પહેલા આટલું ચેક કરો:


  • બોનસની ગણતરી કેવી રીતે થાય છે તે સમજી લો.
  • મેકિંગ ચાર્જમાં છૂટ મેળવવા માટે કઈ શરતો છે તે પૂછી લો.
  • જો હપ્તો લેટ થાય કે સ્કીમ અધવચ્ચે બંધ કરવી પડે તો શું નુકસાન થશે તેની જાણકારી મેળવો.
  • દાગીનાની ડિઝાઈન કે કલેક્શન પર કોઈ મર્યાદા તો નથી ને, તે પણ સ્પષ્ટ કરી લો.

ટૂંકમાં, કોઈપણ સ્કીમમાં જોડાતા પહેલા તેના 'ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ' વાંચવા ખૂબ જરૂરી છે જેથી પાછળથી કોઈ પસ્તાવો ન થાય.