ભારતમાં સોનાની ખરીદી માત્ર ઘરેણા પૂરતી જ નથી કરતા, અહીં સોનાને રોકાણ કરવા માટેનું સાધન માનવામાં આવે છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. દિકરીઓના લગ્ન થાય ત્યારે સોનું આપવાનો ઘણામાં તો રિવાજ છે. આથી ભારતીય નારીઓ સોનું સંગ્રહ કરતી જ રહે છે તેમ કહેવુ ખોટુ નહીં. પણ શું તમને ખબર છે કે સોનું ઘરમાં પોતાની સાથે કેટલુ રાખવુ જોઇએ અને કેટલા સોનાનો તમે સંગ્રહ કરી શકો છો. આવો તે વિશે જાણીએ.
ઘરમાં કેટલું સોનું રાખી શકાય?
ભારતમાં સોનાનો જબરદસ્ત ક્રેઝ છે. પેઢી દર પેઢી તેનો સંગ્રહ કરવામાં આવે છે. જો કે ઘરમાં કેટલુ સોનું રાખી શકાય તે વિશે વાત કરીએ. શું તમે જાણો છો કે આવકવેરા વિભાગ તમારી સોનાની ખરીદી પર નજર રાખે છે, અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનુ રાખવાથી તમારા ઘર પર નોટિસ અથવા દરોડા પડી શકે છે ? ચાલો આજે ઘરે સોનું સંગ્રહ કરવાના નિયમો સમજાવીએ જેથી તમે સમજી શકો કે આવકવેરાની તપાસથી બચવા માટે તમે કાયદેસર રીતે ઘરે કેટલું સોનું રાખી શકો છો.
પરિણીત સ્ત્રીઓ કેટલી રાખી શકે સોનું?
ભારતમાં સોનું ખરીદવા અને સંગ્રહ કરવાના નિયમો પુરુષો, પરિણીત સ્ત્રીઓ અને અપરિણીત સ્ત્રીઓ માટે અલગ છે. પરિણીત સ્ત્રીઓ 500 ગ્રામ સુધી સોનું રાખી શકે છે. અપરિણીત સ્ત્રીઓ 250 ગ્રામ સુધી રાખી શકે છે, અને પુરુષો 100 ગ્રામ સુધી રાખી શકે છે.
જો તમારી પાસે આ મર્યાદા કરતાં વધુ સોનું હોય તો તમારે તમારા બિલ અથવા આવકવેરા રિટર્નમાં તેના માટે ઘોષણાપત્ર હોવું આવશ્યક છે. જો તમારી પાસે માન્ય પુરાવો હોય તો તમે ગમે તેટલી રકમનું સોનું ખરીદી શકો છો. આવકવેરા વિભાગની આ મર્યાદા ફક્ત દસ્તાવેજીકૃત સોના પર જ લાગુ પડે છે. આનો અર્થ એ છે કે તમે ગમે તેટલું સોનાનો સંગ્રહ કરો, તેનું બિલ હોવું જરૂરી છે.
શું સોનાનો સંગ્રહ કરપાત્ર છે?
જો તમે જાહેર કરેલી આવકમાંથી, અથવા કૃષિ આવક જેવી કરમુક્ત આવકમાંથી સોનું ખરીદ્યું હોય, અથવા જો તમને તે કાયદેસર રીતે વારસામાં મળ્યું હોય, તો તે કરપાત્ર રહેશે નહીં. જો તમે નિર્ધારિત મર્યાદામાં સોનું સંગ્રહ કરો છો અથવા મર્યાદા કરતાં વધુ સોનું સંગ્રહ કરો છો પરંતુ માન્ય પુરાવા હોય, તો દરોડા દરમિયાન પણ તમારા દાગીના જપ્ત કરી શકાતા નથી. ઘરે સોનાના સંગ્રહ પર કોઈ કર નથી, પરંતુ જો કોઈ સોનું વેચે છે, તો કર ચૂકવવાપાત્ર છે.