ભારતમાં સોનાને માત્ર કિંમતી ધાતુ જ નહીં, પરંતુ મુશ્કેલીના સમયે મોટા સહારા અને સુરક્ષિત રોકાણ તરીકે પણ જોવામાં આવે છે. આજે પણ દેશમાં ઘણા લોકો સોનાના દાગીના, સિક્કા અથવા બારના રૂપમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
આ પાછળનું કારણ માત્ર વધુ નફો મેળવવાનું નથી. તેની સાથે સાંસ્કૃતિક પરંપરા, વર્ષો જૂનો ભરોસો અને લોકોની લાગણીઓ પણ જોડાયેલી છે. જોકે, હવે Gold ETF પણ સોનામાં રોકાણ માટે એક સરળ, પારદર્શક અને સુરક્ષિત વિકલ્પ તરીકે સામે આવ્યું છે.
આંકડા મુજબ, છેલ્લા 15 વર્ષમાં સોનાએ દર વર્ષે સરેરાશ 9થી 10% જેટલું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં તેનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે અને રોકાણકારોને દર વર્ષે લગભગ 12% જેટલું રિટર્ન મળ્યું છે.
જાણો, સોનું નફામાં કેટલું આગળ છે
લાંબા સમયગાળાની વાત કરીએ તો સોનાએ રોકાણકારોને સારો નફો આપ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના આંકડા મુજબ, છેલ્લા 15 વર્ષમાં સોનાએ દર વર્ષે સરેરાશ 9થી 10% જેટલું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને દર વર્ષે લગભગ 12% જેટલું રિટર્ન મળ્યું છે.
આ જ કારણ છે કે જ્યારે શેરબજારમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળે છે, ત્યારે લોકો સોના પર ભરોસો રાખે છે.
સોનું ખરીદવામાં આ વધારાના ખર્ચા થાય છે
રોકાણકારોએ સોનું ખરીદતી વખતે કેટલાક વ્યવહારુ અને આર્થિક પાસાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્વેલરી ખરીદતી વખતે 10થી 25% સુધી મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ રકમ તમારા મૂળ રોકાણ ખર્ચમાં વધારો કરે છે.
આ ઉપરાંત, ફિઝિકલ ગોલ્ડ ઘરમાં રાખવામાં આવે તો ચોરીનું જોખમ રહે છે. જ્યારે બેંક લોકર માટે અલગથી ભાડું ચૂકવવું પડે છે. સાથે જ સોનાની શુદ્ધતા અંગે પણ જોખમ રહે છે.
આથી જ્યારે તમે સોનાની જ્વેલરી વેચવા જાઓ છો, ત્યારે મેકિંગ ચાર્જ અને તૂટફૂટના નામે રકમ કાપવામાં આવે છે. તેના કારણે રોકાણકારને સોનાની બજાર કિંમતનો પૂરો લાભ મળતો નથી.
Gold ETF બન્યું સ્માર્ટ રોકાણ
ભારતમાં 2007માં શરૂઆત થયા બાદ Gold ETFએ સોનામાં રોકાણ કરવાની રીતને વધુ સરળ અને પારદર્શક બનાવી છે. તેને તમે શેરબજારમાં શેર ખરીદવા અને વેચવા જેવી રીતે સમજી શકો છો. કોઈપણ રોકાણકાર પોતાના ડીમેટ અકાઉન્ટ દ્વારા બજારના લાઈવ ભાવ પર થોડી જ મિનિટોમાં તેને ખરીદી અથવા વેચી શકે છે.
સોનાએ હંમેશા આપ્યું છે સારું રિટર્ન
10થી 15 વર્ષના સમયગાળાની સરખામણી કરીએ તો Gold ETFએ ફિઝિકલ ગોલ્ડ જેટલું જ રિટર્ન આપ્યું છે. જોકે, તેને મેનેજ કરવા માટે કંપનીઓ દર વર્ષે 0.3થી 1% સુધીનો ફંડ મેનેજમેન્ટ ચાર્જ લે છે.
જોકે, જ્વેલરી પર લાગતા મોટા મેકિંગ ચાર્જની સરખામણીમાં આ ખર્ચ ઘણો ઓછો છે. સૌથી સારી વાત એ છે કે ETF 99.5% શુદ્ધ 24 કેરેટ સોનાના બેકઅપ પર આધારિત હોય છે. તેથી તેમાં ભેળસેળની ચિંતા રહેતી નથી અને ચોરી કે લોકરમાં સુરક્ષિત રાખવાની પણ ચિંતા રહેતી નથી.
બંને વિકલ્પોનું પોતાનું મહત્વ અને જરૂરિયાત છે. જો તમે લાંબા સમય માટે સંપત્તિ બનાવવી હોય અને કોઈ ઝંઝટ વગર સુરક્ષિત રોકાણ કરવા માંગતા હો, તો Gold ETF પારદર્શક અને ઓછા ખર્ચવાળો સારો વિકલ્પ છે.
બીજી તરફ, જો ઘરમાં લગ્નની તૈયારી હોય, જ્વેલરી બનાવડાવવી હોય અથવા કોઈને ભેટ આપવી હોય, તો ફિઝિકલ ગોલ્ડ ખરીદવું વધુ યોગ્ય અને વ્યવહારુ છે.