જળ શક્તિ મંત્રાલય હેઠળ ભારત સરકારના જાહેર એકમ વાપ્કોસ (WAPCOS) લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ મજબૂત ગ્રોથ ગ્લોબલ સાઉથ અને ભારતમાં એન્જનિયરિંગ ક્ષેત્રમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકેની કંપનીની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.


કંપનીના નફામાં 20.44%નો વધારો

વાપ્કોસની આવક ₹1,680 કરોડ રહી છે, જે ગત વર્ષ કરતા 9.8% વધુ છે અને કર પહેલાંનો નફો ₹95 કરોડ છે જે 20.44%નો વધારો દર્શાવે છે. કંપનીએ ₹3,354 કરોડનો નવો ઓર્ડર પણ મેળવ્યો છે, જે ગત વર્ષ કરતા 13.46%નો ગ્રોથ દર્શાવે છે. 31 માર્ચ 2025 સુધીમાં કંપનીની કુલ ઓર્ડર બુક ₹13,750 કરોડ સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વાપ્કોસ મોટાપાયે એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભારતીય કૌશલ્ય પહોંચાડવા માટે એક મુખ્ય ચેનલ તરીકે સેવા આપીને ગ્લોબલ સાઉથના સહયોગને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે. અન્ય વિકાસશીલ દેશો સાથે લાંબા ગાળાના સહયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકા જેવા પ્રદેશો સહિત આ વર્ષે તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા CIS દેશોમાં નવા બજારોમાં પ્રવેશ કરીને કંપનીએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.

વાપ્કોસ એ ભારતના જાહેર ક્ષેત્રની શ્રેષ્ઠતાનું એક તેજસ્વી ઉદાહરણ

કંપનીના સીએમડી આર.કે. અગ્રવાલે જણાવ્યું કે, "વાપ્કોસ એ ભારતના જાહેર ક્ષેત્રની શ્રેષ્ઠતાનું એક તેજસ્વી ઉદાહરણ છે - નાણાકીય રીતે મજબૂત, તકનીકી રીતે સક્ષમ અને દેશના વિકાસ લક્ષ્યો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. જેવી રીતે વૈશ્વિક સ્તરે કંપનીનો વિકાસ થઇ રહ્યો છે, તેમ ભારતના વિકાસમાં પણ અમે મજબૂતીથી સહયોગ આપી રહ્યા છીએ. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ વાપ્કોસ ભારતની વિકાસ યાત્રા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ રહીને વૈશ્વિક સ્તરે પોતાનો વ્યાપ વધારવાનું ચાલુ રાખશે.”

ભારતને અન્ય વિકાસશીલ દેશો સાથે મળીને કામ કરવામાં પણ મદદ કરે છે કંપની

મીની રત્ન-1 શ્રેણીની સરકારી કંપની તરીકે વાપ્કોસ પાણી, વીજળી અને માળખાગત સુવિધાઓમાં નિષ્ણાત સલાહ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રદાન કરે છે. પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતને અન્ય વિકાસશીલ દેશો સાથે મળીને કામ કરવામાં પણ કંપની મદદ કરે છે. તમને જણાવી દઈએ કે વાપ્કોસ લિમિટેડ એ ભારત સરકારનું જળ શક્તિ મંત્રાલય હેઠળનું એક જાહેર એકમ છે, જે ભારત અને વિદેશમાં કન્સલ્ટન્સી, એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડે છે. અત્યારે 75થી વધુ દેશોમાં કંપનીની હાજરી છે. નવીનતા, ટકાઉપણું અને સમાવિષ્ટ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત અને સમગ્ર વિશ્વમાં એક વિશ્વસનીય વિકાસ ભાગીદાર તરીકે વાપ્કોસ કાર્યરત છે.

  • Follow us on: