ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ Growwની પેરેન્ટ કંપની બિલિયનબ્રેઈન્સ ગેરેજ વેન્ચર્સે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન 2026) માટે શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીના મજબૂત નફા અને આવકના આંકડાઓ બાદ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને શેરમાં ઈન્ટ્રા-ડે દરમિયાન લગભગ 9 ટકાનો ઉછાળો નોંધાયો.

MTFના સારા પ્રદર્શનથી કંપનીને નોંધપાત્ર ફાયદો થયો

કંપનીનું ઓપરેશનલ રેવન્યૂ વાર્ષિક ધોરણે 66 ટકા વધીને રૂ. 1,501.42 કરોડ થયું છે, જ્યારે શુદ્ધ નફામાં 94.28 ટકાનો વધારો થઈ રૂ. 735.04 કરોડ પર પહોંચ્યો છે. કોમોડિટી ડેરિવેટિવ્સ અને MTFના સારા પ્રદર્શનથી કંપનીને નોંધપાત્ર ફાયદો થયો છે. ઓપરેટિંગ સ્તરે કંપનીનું EBITDA 3.4 ટકા વધીને રૂ. 970 કરોડ થયું છે અને EBITDA માર્જિન 64.6 ટકા સુધી પહોંચ્યું છે. ખર્ચમાં ઘટાડો અને અન્ય ખર્ચના નિયંત્રણને કારણે કંપનીની નફાકારકતા વધુ મજબૂત બની છે.

કંપનીએ વ્યવસાયમાં પોતાનો બજાર હિસ્સો વધાર્યો

કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ, ઈક્વિટી ડેરિવેટિવ્સ, કોમોડિટી ડેરિવેટિવ્સ અને MTF જેવા મુખ્ય વ્યવસાયોમાં પોતાનો બજાર હિસ્સો વધાર્યો છે. કંપનીનું AUM વાર્ષિક ધોરણે 140 ટકા વધ્યું છે અને ત્રિમાસિક ધોરણે 32 ટકા વધીને રૂ. 5,491 કરોડ થયું છે. ઉપરાંત MTFની સરેરાશ ક્લાયન્ટ ફંડિંગ બુક પણ 34 ટકા વધીને રૂ. 3,375 કરોડ થઈ છે.

શેરબજારમાં Growwના શેર બુધવારે 6.16 ટકાના વધારા સાથે રૂ. 216.40 પર બંધ થયા હતા. ઇન્ટ્રા-ડે દરમિયાન શેર રૂ. 201.55ના નીચલા સ્તરેથી ઉછળી રૂ. 219.50 સુધી પહોંચ્યો હતો. નોંધનીય છે કે નવેમ્બર 2025માં IPO દ્વારા રૂ. 100ના ભાવે લિસ્ટ થયેલા આ શેરે એપ્રિલ 2026માં રૂ. 227નો સર્વોચ્ચ સ્તર સ્પર્શ્યો હતો.

આ પણ વાંચો : સેલેરી આવી ગઈ પણ PF જમા નથી થયો? આજે છેલ્લી તારીખ, તરત જ કરો આ કામ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.