ગેમિંગની દુનિયામાં 19 નવેમ્બર 2026ની તારીખ ઇતિહાસનાં પાનાંમાં નોંધાવા જઈ રહી છે. 13 વર્ષના લાંબા ઇંતજાર બાદ રોકસ્ટાર ગેમ્સ (Rockstar Games) પોતાની સૌથી લોકપ્રિય ગેમિંગ ફ્રેન્ચાઇઝીનો નવો ભાગ એટલે કે ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6 (GTA 6) લોન્ચ કરવાની તૈયારીમાં છે.

આ ગેમને લઈને લોકોમાં એટલો ઉત્સાહ છે કે તેનું બજેટ દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા અને હોલીવુડની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોને પણ ટક્કર આપી રહ્યું છે.

રિલીઝ પહેલાં જ આ ગેમે કમાણીના જૂના રેકોર્ડ તોડી નાખ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. એટલું જ નહીં, દુનિયાભરની કંપનીઓના HR વિભાગોમાં રજાની અરજીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આવો જાણીએ કે આખરે GTA 6એ દુનિયાભરમાં કેવો માહોલ ઊભો કર્યો છે.

બુર્જ ખલીફાની કિંમત સામે GTA 6નું જંગી બજેટ

જ્યારે પણ કોઈ મોંઘી વસ્તુની વાત આવે છે, ત્યારે લોકોના મનમાં સૌથી પહેલાં દુબઈની જાણીતી ઇમારત બુર્જ ખલીફાનું નામ આવે છે. દુનિયાની આ સૌથી ઊંચી ઇમારત બનાવવા માટે અંદાજે 1.4 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. પરંતુ હવે સોશિયલ મીડિયાથી લઈને ટેક જગત સુધી ચર્ચા છે કે એક વીડિયો ગેમે ખર્ચની બાબતમાં બુર્જ ખલીફાને પણ પાછળ છોડી દીધી છે.

બ્લૂમબર્ગ અને ધ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલો અનુસાર, GTA 6 બનાવવા પાછળ કુલ 1 અબજથી 2 અબજ ડોલર સુધીનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. જોકે, ગેમ બનાવતી કંપની રોકસ્ટાર ગેમ્સે સત્તાવાર રીતે તેના બજેટ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

જો સૌથી ઓછો અંદાજ એટલે કે 1 અબજ ડોલર પણ માનવામાં આવે, તો તે હોલીવુડની ત્રણ મોટી ફિલ્મોના કુલ બજેટ કરતાં પણ વધારે છે. અવતાર (Avatar), એવેન્જર્સ (Avengers) અને સ્ટાર વોર્સ (Star Wars) જેવી મોટી ફિલ્મો બનાવવા પાછળ કુલ મળીને અંદાજે 700 મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.

વર્ષ 2014થી બની રહેલી આ ગેમે મનોરંજન ઉદ્યોગનાં અનેક સમીકરણો બદલી નાખ્યાં છે. વિશ્લેષકોનું માનવું છે કે રિલીઝના શરૂઆતના ચાર મહિનામાં જ GTA 6 અંદાજે 3 અબજ ડોલરની કમાણી કરી શકે છે.

GTA 6ના ક્રેઝમાં દુનિયાભરના કર્મચારીઓએ લીધી રજાઓ

GTA 6નો ક્રેઝ માત્ર મોબાઇલ કે ટીવી સ્ક્રીન પૂરતો મર્યાદિત નથી. તેની અસર દુનિયાભરની ઓફિસોમાં પણ જોવા મળી રહી છે. ગુરુવાર, 19 નવેમ્બર 2026ના રોજ ગેમ રિલીઝ થવાની હોવાથી યુવાનો અત્યારથી જ આ દિવસે રજાઓ બુક કરાવી રહ્યા છે.

ડચ રેડિયો સ્ટેશન BNRના અહેવાલ અનુસાર, અનેક દેશોમાં કામ કરતી HR કંપની રિમોટ (Remote)ના ડેટામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 19 નવેમ્બર માટે 32 ટકા વધુ પૂર્ણ સમયના કર્મચારીઓએ રજા બુક કરાવી છે.

વર્ષ 2026માં મોટા તહેવારોને બાદ કરતાં કોઈ એક કામકાજના દિવસે રજા લેવા માટે નોંધાયેલો આ સૌથી મોટો આંકડો હોવાનું જણાવાયું છે. આ મામલે ઇટાલી પ્રથમ સ્થાને છે, જ્યારે નેધરલેન્ડ આઠમા સ્થાને છે. અહીં ગયા વર્ષની સરખામણીએ 20 ટકા વધુ રજાઓ બુક કરવામાં આવી છે.

ડચ શેડ્યૂલિંગ સોફ્ટવેર કંપની ડાઇફ્લેક્સિસ (Dyflexis)ના આંકડા અનુસાર, ગેમની રિલીઝ તારીખ જાહેર થયા બાદ 20થી 40 વર્ષની ઉંમરના પુરુષોની રજાની અરજીઓમાં 289 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ, મહિલાઓની રજાઓમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષોની રજાઓમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્પષ્ટ છે કે યુવા પેઢી વાઇસ સિટીની ગલીઓમાં ફરવા માટે ઓફિસમાંથી રજા લેવા તૈયાર છે.

રિલીઝ પહેલાં જ 1 અબજ ડોલરની કમાણીનો દાવો, 1 કરોડથી વધુ ગેમ વેચાઈ!

GTA 6એ બજારમાં પ્રવેશ કરે તે પહેલાં જ કમાણીનો નવો ઇતિહાસ રચ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એનાલિટિક્સ કંપની સેન્સર ટાવર (Sensor Tower)ના અહેવાલ અનુસાર, ડિજિટલ પ્રી-ઓર્ડર દ્વારા જ આ ગેમે અંદાજે 1 અબજ ડોલરની કમાણી કરી લીધી છે.

લોન્ચ પહેલાં જ આ ગેમની 1.03 કરોડથી વધુ નકલો વેચાઈ હોવાનો અહેવાલ છે. જોકે, રોકસ્ટાર ગેમ્સ અથવા તેની પેરેન્ટ કંપની ટેક-ટુ ઇન્ટરેક્ટિવ (Take-Two Interactive) દ્વારા આ આંકડાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

રસપ્રદ વાત એ છે કે ગેમ ખરીદનારા મોટાભાગના લોકો સસ્તા વર્ઝનને બદલે મોંઘું વર્ઝન પસંદ કરી રહ્યા છે. અહેવાલ અનુસાર, લગભગ 89 ટકા ગ્રાહકોએ 100 ડોલરનું અલ્ટિમેટ એડિશન પ્રી-ઓર્ડર કર્યું છે, જ્યારે માત્ર 11 ટકા લોકોએ 80 ડોલરનું સ્ટાન્ડર્ડ એડિશન પસંદ કર્યું છે.

પ્લેટફોર્મની વાત કરીએ તો કુલ પ્રી-ઓર્ડરમાંથી લગભગ 75 ટકા ઓર્ડર સોની પ્લેસ્ટેશન 5 (PS5) માટે નોંધાયા છે, જેના દ્વારા 751 મિલિયન ડોલરની કમાણી થઈ છે. બાકીના 25 ટકા ઓર્ડર એક્સબોક્સ સિરીઝ X/S માટે નોંધાયા છે, જેનાથી અંદાજે 250 મિલિયન ડોલરની આવક થઈ છે.

GTA 6 પહેલાં જ Sony PlayStation 5નું વેચાણ રેકોર્ડ સ્તરે

ગેમિંગના શોખીનો માટે આ મહિનો કોઈ મોટા તહેવારથી ઓછો નથી. દુનિયાની સૌથી મોટી ગેમના લોન્ચ પહેલાં જ સોની કંપનીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીના લોકપ્રિય ગેમિંગ કન્સોલ પ્લેસ્ટેશન 5નું વિશ્વભરમાં વેચાણ 10 કરોડ યુનિટ સુધી પહોંચી ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

19 નવેમ્બર 2026ના રોજ આવનારી નવી ગેમ પહેલાં મળેલી આ સફળતા સોની માટે મોટી સિદ્ધિ સમાન છે.

આ વેચાણ પાછળનું એક મોટું કારણ GTA 6 હોવાનું માનવામાં આવે છે. હકીકતમાં, આ નવી ગેમ જૂના PS4 પર નહીં ચાલે. તેને માત્ર PS5 અને Xbox Series X/S પર જ રમી શકાશે. આવી સ્થિતિમાં સોનીના કન્સોલ પર GTA 6 રમવા ઇચ્છતા કરોડો ચાહકો પાસે નવું PS5 ખરીદવાનો વિકલ્પ રહેશે.

આ જ કારણસર છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્લેસ્ટેશન 5ના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

GTA ફ્રેન્ચાઇઝીની સફર: શરૂઆત ક્યાંથી થઈ અને અત્યાર સુધી કેટલી ગેમ વેચાઈ?

આજે જે GTA 6 અબજો ડોલરના બજેટમાં બની રહી છે, તેની શરૂઆત એકદમ નાના સ્તરેથી થઈ હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, વર્ષ 2004માં આવેલી GTA: San Andreas ગેમ અંદાજે 10થી 15 મિલિયન ડોલરના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી.

તે સમયે આ ગેમે પોતાની શાનદાર વાર્તા અને ઓપન વર્લ્ડ ફીચરથી ગેમિંગની દુનિયામાં ક્રાંતિ સર્જી હતી. ત્યારબાદ વર્ષ 2008માં GTA IV આવી, જેનું માર્કેટિંગ અને ડેવલપમેન્ટ બજેટ વધીને અંદાજે 100 મિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું. આ બજેટની મદદથી કંપનીએ લિબર્ટી સિટીને ખૂબ જ બારીકાઈથી તૈયાર કર્યું હતું.

વર્ષ 2013માં રોકસ્ટાર ગેમ્સે GTA V લોન્ચ કરી હતી. આ ગેમે કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેને બનાવવા અને માર્કેટિંગ પાછળ કુલ 265 મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. આ રોકાણ કંપની માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું હતું, કારણ કે GTA Vએ રિલીઝના શરૂઆતના માત્ર ત્રણ દિવસમાં જ 1 અબજ ડોલરથી વધુની કમાણી કરી હતી.

વર્ષ 2026ના બીજા ક્વાર્ટર (Q2)માં પણ આ જૂની ગેમની 50 લાખથી વધુ નકલો વેચાઈ હતી. અત્યાર સુધી GTA Vની કુલ 23.5 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને તેણે એકલા 10 અબજ ડોલરનો કારોબાર કર્યો છે. સમગ્ર ગ્રાન્ડ થેફ્ટ ઓટો ફ્રેન્ચાઇઝીની વાત કરીએ તો અત્યાર સુધી તેની 47 કરોડ યુનિટ્સનું વેચાણ થયું છે.

દુનિયાની અન્ય મોંઘી ગેમ્સ, જેમણે કરી જોરદાર કમાણી

Monopoly Go: 1 અબજ ડોલર

Genshin Impact: 900 મિલિયન ડોલર

Call of Duty: Black Ops Cold War: 700 મિલિયન ડોલર

Call of Duty: Modern Warfare: 640 મિલિયન ડોલર

GTA 6નું પ્રી-ડાઉનલોડ, સ્ટોરેજ અને ગેમની કહાની

જે ખેલાડીઓએ GTA 6નું પ્રી-ઓર્ડર કર્યું છે, તેમના માટે રોકસ્ટાર ગેમ્સે 10 નવેમ્બરથી જ ડિજિટલ પ્રી-લોડિંગ શરૂ કરી દીધું હોવાના અહેવાલ છે. આનો અર્થ એ છે કે ખેલાડીઓ ગેમને અગાઉથી ડાઉનલોડ કરીને રાખી શકે છે, જેથી 19 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે રિલીઝ થતાંની સાથે જ કોઈ વિલંબ વિના ગેમ રમવાનું શરૂ કરી શકે.

જોકે, આ ગેમ ઇન્સ્ટોલ કરવા માટે તમારા કન્સોલમાં પૂરતી મેમરી હોવી જરૂરી છે. રોકસ્ટારની સપોર્ટ વેબસાઇટ અનુસાર, કન્સોલ પ્રમાણે આ ગેમ માટે 212 GB સુધીની ખાલી સ્ટોરેજ સ્પેસની જરૂર પડી શકે છે.

ગેમની કહાનીની વાત કરીએ તો તે અમેરિકાના ફ્લોરિડાથી પ્રેરિત કાલ્પનિક રાજ્ય લિયોનિડા (Leonida) પર આધારિત છે. તેમાં બે મુખ્ય પાત્રો લુસિયા કેમિનોસ (Lucia Caminos) અને જેસન ડુવાલ (Jason Duval) જોવા મળશે.

આ બંને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું કપલ છે. તેમની કહાની અને સાહસ અમેરિકાની જાણીતી ગુનેગાર જોડી બોની અને ક્લાઇડથી પ્રેરિત હોવાનું જણાય છે. અત્યાર સુધી રિલીઝ થયેલા બે ટ્રેલરમાં આ શાનદાર દુનિયાની ઝલક જોવા મળી છે. ટેક્નિકલ રીતે આ ગેમ વર્તમાન કન્સોલ પર 30 ફ્રેમ પ્રતિ સેકન્ડ (FPS) પર ચાલશે, જ્યારે PS5 Pro વર્ઝનમાં વધુ શાર્પ ગ્રાફિક્સ અને રે-ટ્રેસ્ડ શેડોઝ જોવા મળશે.

આ ઉપરાંત ખેલાડીઓ Xbox Cloud Gaming દ્વારા Xbox One પર પણ આ ગેમ સ્ટ્રીમ કરી શકશે.

GTAથી પ્રેરિત વાસ્તવિક જીવનના ગુનાઓ

GTA ગેમની દુનિયા માત્ર મનોરંજન પૂરતી સીમિત રહી નથી. ભૂતકાળમાં કેટલાક ગુનાહિત બનાવોને પણ આ ગેમ સાથે જોડવામાં આવ્યા છે.

થાઇલેન્ડ (2008): 19 વર્ષના એક યુવકે ટેક્સી ડ્રાઇવરની છરી મારીને હત્યા કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે જાણવા માગતો હતો કે વાસ્તવિક જીવનમાં ટેક્સી લૂંટવી એટલી જ સરળ છે કે નહીં, જેટલી GTA IV ગેમમાં બતાવવામાં આવે છે. આ ઘટના બાદ થાઇલેન્ડમાં GTA સિરીઝ પર સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

લુઇસિયાના, અમેરિકા (2013): GTA IV રમ્યાના થોડા સમય બાદ 8 વર્ષના એક બાળકે પોતાની 87 વર્ષીય દાદીને ગોળી મારીને હત્યા કરી હતી. બેટન રૂજ, લુઇસિયાના (2013): ઝેકરી બર્ગેસ (Zachary Burgess) નામના વ્યક્તિએ એક ઊભેલી ટ્રક ચોરી કરી હતી, જેમાં એક મુસાફર પણ બેઠો હતો.

ત્યારબાદ તેણે પોલીસથી બચવા પૂરપાટ ઝડપે વાહન દોડાવ્યું અને રસ્તામાં ઊભેલી 9 ગાડીઓને ટક્કર મારી હતી. ધરપકડ બાદ તેણે અધિકારીઓને જણાવ્યું હતું કે તે GTA Vના દૃશ્યને વાસ્તવિક જીવનમાં ફરીથી ભજવી રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયા (2014): નશાની હાલતમાં એક કિશોરે છરીની અણીએ એક કન્વિનિયન્સ સ્ટોર અને સર્વિસ સ્ટેશન લૂંટ્યાં હતાં. તપાસ કરી રહેલા અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આ લૂંટ વીડિયો ગેમની નકલ કરવાનો પ્રયાસ હતો. આ કેસમાં તેને બે વર્ષની જેલની સજા થઈ હતી.

વાસ્તવિક હેકરનો હુમલો (Lapsus$, 2023): 18 વર્ષના હેકર એરિયન કુર્તાજ (Arion Kurtaj)એ જામીન પર બહાર હોવા છતાં હોટલના ટીવીનો ઉપયોગ કરીને GTA 6ના રિલીઝ ન થયેલા વીડિયો ક્લિપ્સ અને સોર્સ કોડ લીક કરી દીધા હતા. આ સાયબર હુમલાને કારણે રોકસ્ટાર ગેમ્સ અને અન્ય ટેક કંપનીઓને મોટું આર્થિક નુકસાન થયું હતું.

કયા દેશોમાં GTAની કેટલીક સેવાઓ ઉપલબ્ધ નથી?

એક તરફ દુનિયાભરના ગેમર્સ GTA 6ના સ્વાગત માટે આતુર છે, ત્યારે કેટલાક દેશોના ગેમર્સ માટે નિરાશાજનક સમાચાર પણ છે. અહેવાલો અનુસાર, સોનીના પ્લેસ્ટેશન સ્ટોરે બહેરીન, ચીન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, રશિયા અને તાઇવાન જેવા આઠ દેશોને GTA સાથે જોડાયેલી ખાસ સર્વિસ GTA+ ખરીદવાની સુવિધામાંથી બહાર રાખ્યા છે.

માનવામાં આવે છે કે આ દેશોમાં ગેમની પુખ્ત વયના લોકો માટેની સામગ્રી, હિંસા અને સ્થાનિક નિયમોને કારણે આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી આ દેશોના ગેમિંગ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.


આ પણ વાંચો : https://sandesh.com/d