તહેવારોની ખરીદી અને અન્ય ખર્ચાઓ વચ્ચે લોકોએ પર્સનલ લોનનો પણ મોટાપાયે સહારો લીધો છે. વર્ષ 2025ની સરખામણીએ 2026ના તહેવારોની મોસમ દરમિયાન ઇન્સ્ટન્ટ પર્સનલ લોનના વિતરણમાં 32%નો વધારો નોંધાયો છે. રસપ્રદ વાત એ છે કે હવે માત્ર યુવાનો જ નહીં, પરંતુ 46થી 55 વર્ષની વયજૂથના લોકોમાં પણ પર્સનલ લોન લેવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. પેસાબજારના અહેવાલમાં આ અંગેના આંકડા સામે આવ્યા છે.
મહારાષ્ટ્ર પ્રથમ, ગુજરાત બીજા ક્રમે
વર્ષ 2026માં સૌથી વધુ પર્સનલ લોન મેળવનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે રહ્યું છે. ગુજરાત બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે. ત્યારબાદ તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 57% લોકોએ લોન લીધી
આ ત્રણ મુખ્ય રાજ્યોમાં લોન વિતરણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં વાર્ષિક ધોરણે 31%, ગુજરાતમાં 57% અને ઉત્તર પ્રદેશમાં 40%નો વધારો નોંધાયો છે. આ ત્રણ રાજ્યોનો હિસ્સો પ્લેટફોર્મ દ્વારા અપાયેલી કુલ લોનના એક તૃતીયાંશ કરતાં વધુ રહ્યો છે.
46થી 55 વર્ષના લોકોમાં 70%નો વધારો
અહેવાલનો સૌથી નોંધપાત્ર મુદ્દો એ છે કે મોટી ઉંમરના લોકોમાં પણ પર્સનલ લોનની માંગ વધી છે. 46થી 55 વર્ષની વયજૂથમાં લોન વિતરણમાં વાર્ષિક ધોરણે 70%નો વધારો નોંધાયો છે. વર્ષ 2025માં કુલ લોન વિતરણમાં આ વયજૂથનો હિસ્સો 13% હતો, જે 2026માં વધીને 19% થયો છે.
36થી 45 વર્ષના લોકો સૌથી આગળ
કુલ લોન વિતરણમાં 36થી 45 વર્ષની વયજૂથના લોકોનો હિસ્સો સૌથી વધુ 40% રહ્યો છે. જ્યારે 25થી 35 વર્ષની વયજૂથનો હિસ્સો 36% નોંધાયો છે. આ યુવા વયજૂથમાં પણ ગયા વર્ષની સરખામણીએ લોન વિતરણમાં 20%નો વધારો થયો છે.
7 લાખ રૂપિયા સુધીની લોન માટે ઓનલાઇન અરજી
લાયક ગ્રાહકો તેના પ્લેટફોર્મ મારફતે 7 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન માટે અરજી કરી શકે છે. અરજીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન છે. ગ્રાહકોએ પોતાની વ્યક્તિગત અને આવક સંબંધિત વિગતો આપવાની હોય છે. ત્યારબાદ ઉપલબ્ધ લોન વિકલ્પોમાંથી પસંદગી કરીને અરજી કરી શકાય છે અને વીડિયો કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. બેંક અથવા ધિરાણ આપતી સંસ્થાની મંજૂરી મળ્યા બાદ કેટલાક ગ્રાહકોના ખાતામાં 2 કલાકની અંદર લોનની રકમ જમા થઈ શકે છે.
800થી વધુ શહેરોના આંકડાનો અભ્યાસ
આ અહેવાલ તૈયાર કરવા માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2025ના આંકડાની સરખામણી વર્ષ 2026ના સમાન મહિનાઓ સાથે કરવામાં આવી છે. તેમાં દેશનાં 800થી વધુ શહેરો અને વિસ્તારોના આંકડા સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : 26/11 Attacksની 18મી વરસીએ સૌથી નાની સાક્ષીએ યાદ કરી ભયાનક રાત, કહ્યું- કસાબ માત્ર મચ્છર હતો, પાકિસ્તાનમાં બેઠેલા અસલી માસ્ટરમાઇન્ડને સજા મળવી જોઈએ