દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે આ સમયે મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને તેમની વફાદારી અને મહેનતના બદલામાં બોનસ કે ગિફ્ટ આપતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કંપની તરફથી મળતી આ ગિફ્ટ કે બોનસ પર પણ ટેક્સ લાગુ પડે છે? આ સવાલનો જવાબ ઘણા લોકોને નહીં ખબર હોય. આ વિષે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. ક્યા કયા સંજોગોમાં તમારે દિવાળી બોનસ કે ગિફ્ટ પર ટેક્સ ચુકવવો પડશે તેના પર નજર કરીએ.
કંપની પાસેથી મળેલું કેશ બોનસ ટેક્સેબલ ગણાશે
જ્યારે કંપની તમને કેશ બોનસ આપે છે તો તે તમારી સેલેરીનો જ ભાગ બની જાય છે. તેના પર કોઈ છૂટ નથી મળતી. બોનસના રૂપમાં મળેલી ઈનકમને રેગ્યુલ ઈનકમ ગણી તમારી કુલ વાર્ષિક આવક સાથે જોડી દેવામાં આવે છે. અને તેના પર ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ વસૂલવામાં આવે છે.
ગિફ્ટ વાઉચર પર વસુલાશે ટેક્સ?
ઈનકમ ટેક્સ એક્ટ પ્રમાણે જો કંપની તમને ગિફ્ટ્સ, ગિફ્ટ વાઉચર, ગિફ્ટ હેમ્પર, મોબાઈલ, લેપટોપ કે અન્ય કિંમતી સામાન આપે છે તો તે એક લિમિટ સુધી ટેક્સ ફ્રી હોય છે. જો ગિફ્ટ્સ લિમિટથી વધુ મોંઘી છે તો તેના પર પણ ટેક્સ વસુલવામાં આવે છે.
કેટલી કિંમતની ગિફ્ટ્સ હોય છે ટેક્સ ફ્રી?
જો કંપની એટલે કે એમ્પ્લોયર તરફથી તમને 5000 રૂપિયાથી વધુ કિંમતની ગિફ્ટ આપવામાં આવે છે તો તેની આખી કિંમત ટેક્સેબલ થઈ જાય છે. જો કે 5000 રૂપિયાથી ઓછી કિંમતની ગિફ્ટ પર કોઈ ટેક્સ નથી લાગતો.
કંપનીની ગિફ્ટ પર TDS
કંપનીઓ કર્મચારીઓને મળનારી 5000 રૂપિયાથી વધુની ગિફ્ટ પર પણ TDS કાપે છે. કેટલીક કંપનીઓ ગિફ્ટ પર લાગનાર ટેક્સને કર્મચારીની સેલેરી સાથે જ એડજસ્ટ કરી દે છે. અથવા તો ફોર્મ-16માં તેની જાણકારી આપે છે, જેથી કર્મચારી પોતે ITR ભરતી વખતે તેના પર ટેક્સ ચૂકવણી કરી શકે.
કેવી રીતે કરવું ટેક્સ પ્લાનિંગ?
કર્મચારીએ પોતાની ટેક્સ જવાબદારી યોગ્ય રીતે સમજવી અને તેને લઈને યોગ્ય પ્લાનિંગ કરવું ખુબ જ જરૂરી છે. જેના માટે તમારી સેલેરી સ્લીપ અને ફોર્મ-16ને ધ્યાનથી જુઓ. જેમાં બોનસ અને ટેક્સેબલ ગિફ્ટ્સની જાણકારી હોય છે. જો તમને આશા હોય કે તમને મોટું બોનસ કે મોંઘી ગિફ્ટ મળી શકે છે તો પહેલાંથી જ તમે એ પ્રકારે પ્લાનિંગ કરી શકો છો. કંપની HR કે ફાઈનાન્સ ટીમને દિવાળીના લાભો પર ટેક્સના નિયમો અંગે પુછવામાં ખચકાટ ના રાખો.