ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંકે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં 10 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકના આ નિર્ણય બાદ હવે MCLR સાથે જોડાયેલા હોમ લોન, વ્હીકલ લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડશે. આવા ગ્રાહકોની માસિક EMI વધી શકે છે અથવા તો લોન ચૂકવવાનો સમયગાળો (ટેન્યોર) લાંબો થઈ શકે છે.


HDFC બેંકના નવા વ્યાજ દરો

બેંક દ્વારા અલગ-અલગ લોન ગાળા માટેના MCLR દરોમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, જેના પછી હવે બેંકના MCLR રેટ્સ 8.05 ટકાથી વધીને 8.65 ટકાની વચ્ચે પહોંચી ગયા છે. નવા રેટ્સ મુજબ, ઓવરનાઈટ MCLR 8.10 ટકા, એક મહિનાનો MCLR 8.05 ટકા અને એક વર્ષનો MCLR 8.40 ટકા થયો છે. જ્યારે બે વર્ષના ગાળા માટેનો MCLR 10 બેસિસ પોઈન્ટ વધીને 8.55 ટકા પર પહોંચ્યો છે, જે સૌથી મોટો વધારો છે. આ તમામ નવા દરો 8 જૂન 2026 થી અમલમાં આવી ચૂક્યા છે.

રેપો રેટ ન બદલાવા છતાં કેમ વધ્યા દરો?

MCLR એ દર છે જેના આધારે બેંકો લોન વ્યાજના દર નક્કી કરે છે. આ દરો નક્કી કરતી વખતે બેંકો માત્ર આરબીઆઈના રેપો રેટને જ ધ્યાનમાં નથી લેતી, પરંતુ ફંડ એકત્રિત કરવાનો ખર્ચ, ડિપોઝિટ પર આપવાનું વ્યાજ અને બજારની સ્થિતિ પણ જોતી હોય છે. હાલમાં ફંડ મેળવવાનો ખર્ચ વધવાને કારણે રેપો રેટ સ્થિર હોવા છતાં બેંકે વ્યાજ દરો વધાર્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ભડકો

સામાન્ય જનતા પર માત્ર બેંકિંગ જ નહીં, પણ બળતણનો પણ નવો બોજ ઝીંકાયો છે. પશ્ચિમ એશિયા અને ઈરાન સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો વધતા સરકારી તેલ કંપનીઓએ મે 2026 માં ત્રીજી વખત ઇંધણના ભાવ વધાર્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈને 99.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91 પૈસા વધીને 92.49 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. આ વૈશ્વિક તણાવને કારણે સામાન્ય ગ્રાહકો પર મોંઘવારીનો બેવડો માર પડ્યો છે.

આ પણ વાંચો:Kangana Ranaut:બોલિવૂડ માફિયાઓ પર કંગનાનો આરોપ, મને જેલમાં ધકેલવા માંગતા હતા

  • Follow us on: