છેલ્લા ત્રણ દાયકાથી દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંક અત્યંત સુરક્ષિત અને કડક સંચાલન ધરાવતી સંસ્થા તરીકે જાણીતી છે. આશરે $115 બિલિયનનું બજાર મૂલ્ય ધરાવતી આ બેંક પર દેશ-વિદેશના રોકાણકારોનો અટૂટ વિશ્વાસ રહ્યો છે. જોકે, હાલમાં બેંક એક ગંભીર આંતરિક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, બેંકની અંદરથી જ અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત વ્યવસાયિક માહિતી બહાર લીક થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સંવેદનશીલ માહિતી લીક થતાં ખળભળાટ

બેંકના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને ગુપ્ત ડેટા અને માહિતી બહાર જઈ રહી હોવાની શંકા જતાં તાત્કાલિક આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બાબતથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં ગંભીર પુરાવા સાંપડ્યા છે. બેંકના બે વરિષ્ઠ અધિકારીઓએ બેંકની ગુપ્ત વ્યવસાયિક વ્યૂહરચનાઓ અને બજારને અસર કરી શકે તેવી સંવેદનશીલ માહિતી બહારના વ્યક્તિઓ સાથે શેર કરી હતી. આ બંને અધિકારીઓ બેંકની મહત્વપૂર્ણ વ્યવસાયિક અને ઓપરેશનલ કામગીરી સંભાળી રહ્યા છે.

બેંક દ્વારા આંતરિક તપાસ ચાલુ

આ સમગ્ર મામલે આંતરિક તપાસ હજુ પણ ચાલી રહી છે. તપાસ ટીમ એ બાબતની ચકાસણી કરી રહી છે કે બહાર આપવામાં આવેલી માહિતીનો કોઈ ગેરકાયદેસર કે આર્થિક દુરુપયોગ થયો છે કે નહીં. આ વર્ષની શરૂઆતમાં તપાસનો પ્રાથમિક રિપોર્ટ અને તારણો બેંકના વરિષ્ઠ મેનેજમેન્ટ તથા બોર્ડ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જોકે, તેમની સામે કેવા પ્રકારના શિસ્તભંગના કે કાનૂની પગલાં લેવાશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

HDFC બેંકના પ્રવક્તાનું નિવેદન

સમગ્ર વિવાદ અંગે ઇમેઇલ દ્વારા આપવામાં આવેલા જવાબમાં HDFC બેંકના પ્રવક્તાએ સ્વીકાર્યું હતું કે આંતરિક સમીક્ષા પ્રક્રિયા ચાલી રહી છે. બેંક પોતાની નીતિઓ મુજબ તમામ તથ્યો એકત્રિત કરી રહી છે અને સમીક્ષા પૂર્ણ થયા બાદ યોગ્ય કડક કારવાઈ કરવામાં આવશે. જોકે, બેંકે તપાસના તારણો કે સંડોવાયેલા અધિકારીઓના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો અને ઉમેર્યું હતું કે બેંક નૈતિકતા તેમજ કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચતમ ધોરણો જાળવવા પ્રતિબદ્ધ છે.

નવા CEO અનુપ બાગચી સામે મોટો સવાલ અને પડકાર

વર્ષ 1994માં સ્થપાયેલી HDFC બેંક આંતરરાષ્ટ્રીય ફંડ મેનેજરો અને રોકાણકારો માટે હંમેશાં પ્રથમ પસંદગી રહી છે. પરંતુ આ વર્ષે બેંકના શેરમાં આશરે 28 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ પડકારજનક સમયમાં બેંકના ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ બહારની વ્યક્તિને કમાન સોંપવામાં આવી રહી છે. ICICI ગ્રુપના અનુભવી બેંકર અનુપ બાગચી 27 ઓક્ટોબરે HDFC બેંકના નવા CEO તરીકે પદભાર સંભાળવાના છે, અને તેમની સામે બેંકની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવાનો મોટો પડકાર રહેશે.


આ પણ વાંચો : Stock Market Closing: IT સિવાયના તમામ ક્ષેત્રો લાલ નિશાને.. સેન્સેક્સ 73,709 અંકે બંધ