દુનિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ માટે ભારત હવે માત્ર ગાડીઓ વેચવાનું બજાર બનીને નથી રહ્યું, પરંતુ એક વિશાળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. આ જ દિશામાં એક મોટું પગલું ભરતા, હુન્ડઈ મોટર ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન ઈઈસ્યુન ચુંગ (યુઈસુન ચુંગ) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન કંપનીએ ભારતમાં આગામી 6 વર્ષમાં 1.55 અબજ ડોલર (અંદાજે 1,47,270 કરોડ રૂપિયા) ના મસમોટા રોકાણની સત્તાવાર જાહેરાત કરી છે.
આ ભંડોળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં વાહનોની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કરવો, નવી ટેક્નોલોજી વિકસાવવી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ને મજબૂત બનાવવું અને લોકલ સપ્લાય નેટવર્કને વધુ ઉત્તમ બનાવવાનો છે. કંપનીના આ પગલાથી ભારતમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશ ઓટોમોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનશે.
મસમોટા રોકાણની સત્તાવાર જાહેરાત
હુન્ડઈ ગ્રુપ માટે ભારત એક અત્યંત મહત્વનું બજાર છે. કંપનીની યોજના હુન્ડઈ અને કિયા ઈન્ડિયાના વાહનોનું ઉત્પાદન વધારવાની છે, જેથી ભવિષ્યની માંગને સરળતાથી પહોંચી વળાય. ખાસ વાત એ છે કે ભારતમાં તૈયાર થતી ગાડીઓ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં વેચાય, પરંતુ તેને અન્ય દેશોમાં પણ મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવશે, જેનાથી ભારત વૈશ્વિક એક્સપોર્ટ નેટવર્ક તરીકે ઉભરી આવશે.
6200 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે
આ ઉપરાંત, હુન્ડઈ ગ્રુપ દ્વારા ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પાછળ અંદાજે ૭૦૦ મિલિયન ડોલર એટલે કે આશરે 6200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ યોજના હેઠળ એક નવો વ્હીકલ ટેસ્ટિંગ ટ્રેક તૈયાર કરવામાં આવશે, જે ભારતીય રોડની પરિસ્થિતિઓ મુજબ ગાડીઓની સચોટ ટેસ્ટિંગ અને નવી ટેક્નોલોજી વિકસાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આનાથી સ્થાનિક એન્જિનિયરો અને ટેક્નોલોજી નિષ્ણાતોને નેક્સ્ટ જનરેશન ઓટોમોબાઈલ ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વાહનો અને ફ્યુચર મોબિલિટી પર કામ કરવાની ઉત્તમ તકો મળશે.
24,000 થી વધુ લોકોને રોજગારી
હાલમાં હુન્ડઈ અને કિયાની ભારતમાં આવેલી ફેક્ટરીઓની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 14 લાખથી વધુ વાહનોની છે, અને કંપની 24,000 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. ચેન્નઈ, પુણે અને અનંતપુરમાં આવેલી આ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓમાં આ નવા રોકાણથી એન્જિનિયરિંગ અને સપ્લાયર સેક્ટરમાં વિકાસના નવા દ્વાર ખુલશે.
આ પણ વાંચોઃ શું તમારા ઘર માં પણ રાખેલું છે આટલું બધુ સોનું? જાણો શું કહે છે નિયમ