જો તમે ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આગામી દિવસોમાં તમારે તમારા ખર્ચ અને મળતી સુવિધાઓ બંનેનું ગણિત બદલવું પડી શકે છે. બેંકે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

આ ફેરફાર હેઠળ કાર્ડ બદલાવવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે, કેટલાક કાર્ડ પર મળતો મફત વીમો બંધ થઈ જશે અને ઘણા ગ્રાહકોને હવે મફત મૂવી ટિકિટનો લાભ પણ નહીં મળે.

આ ફેરફારોની અસર નવેમ્બર અને ડિસેમ્બર 2026માં અલગ-અલગ તારીખથી જોવા મળશે. જોકે, રાહતની વાત એ છે કે આ નિયમો બેંકના તમામ ક્રેડિટ કાર્ડ પર લાગુ નહીં થાય. કયા કાર્ડ પર કઈ સુવિધા બંધ થશે અને ક્યાં વધુ ચાર્જ ચૂકવવો પડશે, તેની સંપૂર્ણ માહિતી અહીં જાણો.

ક્રેડિટ કાર્ડ બદલાવવાના ચાર્જ કેટલા વધ્યા?

ICICI બેંકે ક્રેડિટ કાર્ડ બદલાવવાના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી કાર્ડ બદલાવવા માટે 200 રૂપિયા અને GST ચૂકવવો પડતો હતો. પરંતુ 11 ડિસેમ્બર 2026થી આ ફી વધીને 300 રૂપિયા અને GST થઈ જશે.

એટલે કે કાર્ડ ખોવાઈ જાય, ખરાબ થઈ જાય અથવા અન્ય કોઈ કારણસર નવું કાર્ડ મેળવવું હોય તો હવે પહેલાં કરતાં 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ ચાર્જમાં લગભગ 50 ટકાનો વધારો છે. જોકે, Emeralde Private Metal, 1838 Reserve અને Times Black ક્રેડિટ કાર્ડને આ ફેરફારમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.

હવે નહીં મળે મફત વીમાનો લાભ?

જો તમે તમારા ક્રેડિટ કાર્ડ સાથે મળતા મફત વીમાનો લાભ લેતા હો, તો તમારા માટે આ મોટો ઝટકો હોઈ શકે છે. બેંક 15 ડિસેમ્બર 2026થી કેટલાક કાર્ડ પર મળતું કોમ્પ્લિમેન્ટરી ઇન્શ્યોરન્સ કવર બંધ કરવા જઈ રહી છે. તેમાં વિમાન અકસ્માત વીમાનો પણ સમાવેશ થાય છે.

આ સુવિધા Emeralde Private Metal, Times Black, Emeralde, Emeralde Private, Diamant, Sapphiro અને Rubyx ક્રેડિટ કાર્ડ પર બંધ થશે.

આ ઉપરાંત, Cancellation For Any Reason કવર પણ બંધ કરવામાં આવશે. આ સુવિધા Emeralde Private Metal, Times Black, Emeralde અને Emeralde Private કાર્ડ પર મળતી હતી.

બીજી તરફ, Parakram અને Parakram Select કાર્ડ ધરાવતા ગ્રાહકોને મળતું પર્સનલ અને વિમાન અકસ્માત વીમા કવર પણ 15 ડિસેમ્બરથી બંધ થઈ જશે.

મફત મૂવી ટિકિટના નિયમોમાં શું ફેરફાર થયો?

મૂવી જોવાના શોખીન ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને પણ ઝટકો લાગી શકે છે. ICICI બેંક 15 ડિસેમ્બર 2026થી પસંદગીના કાર્ડ પર મળતો મફત INOX મૂવીનો લાભ બંધ કરશે.

આ ફેરફારના દાયરામાં Rubyx, Coral, Expressions, Chennai Super Kings, MakeMyTrip Platinum, MakeMyTrip Signature, MakeMyTrip, HPCL Super Saver અને Emirates Rubyx ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી આ કાર્ડ દ્વારા મળતી મફત મૂવી ટિકિટની સુવિધાનો લાભ લેતા ગ્રાહકોએ 15 ડિસેમ્બર પછી ટિકિટ માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે.

ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ કેટલો વધશે?

ICICI બેંકે કેટલાક બિઝનેસ અને કોર્પોરેટ ક્રેડિટ કાર્ડના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે. 25 નવેમ્બર 2026થી પસંદગીના કાર્ડ પર Dynamic Currency Conversion (DCC) ફી 1 ટકાથી વધારીને 3.50 ટકા કરવામાં આવશે.

જ્યારે ગ્રાહક વિદેશમાં કોઈ સ્થળે ભારતીય રૂપિયામાં ચુકવણી કરે છે ત્યારે DCC ચાર્જ લાગી શકે છે. આ ફેરફાર Business Black Advantage, Business Blue Advantage, Travel Agent Card અને Business Platinum કાર્ડ માટે લાગુ પડશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d