સરકાર જાહેર શેરહોલ્ડિંગ વધારવા માટે ઓફર ફોર સેલ (OFS) દ્વારા IDBI બેન્કના શેર વેચવાનું વિચારી શકે છે . બેન્કમાં પોતાનો હિસ્સો વેચવાનો સરકારનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી આ પગલું લેવામાં આવી શકે છે. હાલમાં, IDBI બેન્કમાં જાહેર શેરહોલ્ડિંગ ફક્ત 5.29 ટકા છે, જેના કારણે બેન્કનું ચોક્કસ મૂલ્યાંકન કરવું મુશ્કેલ બને છે. સરકારી માલિકીની વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) 49.24 ટકા હિસ્સો ધરાવે છે અને બેન્કને નિયંત્રિત કરે છે. ભારત સરકાર 45.48 ટકા હિસ્સો ધરાવે છે.

કેટલો હિસ્સો વેચાશે?

સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટના ભાગ રૂપે IDBI બેન્કમાં તેનો 60.72 ટકા હિસ્સો વેચવા માગતી હતી, જે તેની અને LIC પાસે છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં પ્રસ્તાવિત વેચાણ રદ કરવામાં આવ્યું હતું કારણ કે બે સંભવિત ખરીદદારોની નાણાકીય બોલીઓ રિઝર્વ કિંમત કરતાં ઓછી હોવાનું કહેવાય છે.

IDBI બેન્કમાં જાહેર શેરહોલ્ડિંગ ઓછું હોવાને કારણે, ચોક્કસ બજાર મૂલ્યાંકન નક્કી કરવું મુશ્કેલ છે. જાહેર શેરહોલ્ડિંગમાં 10-15 ટકાનો વધારો કરવાથી શેરના ભાવ નિર્ધારણ વધુ વિશ્વસનીય અને પારદર્શક બનશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે OFS ના એક કે બે રાઉન્ડ પછી વ્યૂહાત્મક વેચાણ હાથ ધરવામાં આવી શકે છે.

IDBI બેન્કનું ખાનગીકરણ કરાશે?

IDBI બેન્કના ખાનગીકરણની પ્રક્રિયા એટલે કે સરકારનો હિસ્સો વેચવાની પ્રક્રિયા, ઘણા સમયથી અટકી પડી છે. સરકારે IDBI બેન્કમાં તેનો 30.48 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી હતી. LIC બેન્કમાં તેનો 30.24 ટકા હિસ્સો વેચી રહી હતી. સરકારે સૌપ્રથમ 2016માં IDBI બેન્કનું ખાનગીકરણ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો હતો. આ વિચાર સૌપ્રથમ સત્તાવાર રીતે તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ફેબ્રુઆરી 2016માં કેન્દ્રીય બજેટ ભાષણમાં રજૂ કરવામાં આવ્યો હતો. મૂલ્યાંકનની ચિંતાઓને કારણે બેન્કમાં સરકારનો હિસ્સો ઘટાડવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો.

જોકે, સરકારે પાછળથી LICને નિયંત્રણાત્મક હિસ્સો વેચી દીધો. જાન્યુઆરી 2019માં LICએ IDBI બેન્કને મોટા પાયે ખરાબ લોનમાંથી બચાવવા માટે તેમાં 51 ટકા હિસ્સો આશરે રૂપિયા 21,624 કરોડમાં હસ્તગત કર્યો. ત્યારબાદ બેન્ક ખાનગી ક્ષેત્રની બેન્ક બની. ડિસેમ્બર 2020માં બેન્કમાં LICનો હિસ્સો ઘટીને 49.24 ટકા થઈ ગયો.

આ પણ વાંચો : Auto News : સેફ્ટી પણ સ્ટાઈલિસ પણ, Vespa માં મળશે વધારાના ઘણા ફિચર્સ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.