મોટા શહેરોમાં રહેતા નોકરિયાત વર્ગ માટે પ્રીમિયમ વિસ્તારમાં ઘર ભાડે લેવું સામાન્ય વાત છે. પરંતુ જો તમારું માસિક ભાડું 50,000 રૂપિયા ના આંકડાને પાર કરી જાય છે, તો તમારે આવકવેરા વિભાગના એક અત્યંત સંવેદનશીલ નિયમ વિશે જાણવું જરૂરી છે. જાણકારીના અભાવે કરવામાં આવેલી નાનકડી ચૂક તમને માત્ર ઇન્કમ ટેક્સની નોટિસ જ નહીં, પરંતુ 1 લાખ રૂપિયા સુધીના ભારે દંડના સકંજામાં ફસાવી શકે છે.

TDS કાપવાની તમારી કાયદેસરની જવાબદારી

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 194-IB સ્પષ્ટ કરે છે કે જો કોઈ સામાન્ય નાગરિક (Individual) અથવા હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) દર મહિને 50,000 રૂપિયાથી વધુ ભાડું ચૂકવે છે, તો ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) કાપવાની સંપૂર્ણ જવાબદારી ભાડૂઆતના ખભા પર હોય છે. આનો અર્થ એ છે કે તમારે મકાનમાલિકને ભાડાની પૂરેપૂરી રકમ આપતા પહેલા નક્કી કરેલા દરે ટેક્સ કાપવો પડશે અને તે રકમ સરકારના ખાતામાં જમા કરાવવી પડશે.

નવા દરો અને PAN કાર્ડની અનિવાર્યતા

કેન્દ્રીય બજેટ 2024માં સરકારે ભાડૂઆતોને મોટી રાહત આપી છે. 1 ઓક્ટોબર 2024 થી, કલમ 194-IB હેઠળ TDS ના દરને 5% થી ઘટાડીને 2% કરી દેવામાં આવ્યો છે. જોકે, અહીં એક કડક શરત પણ છે. જો તમારો મકાનમાલિક પોતાનું PAN કાર્ડ આપવાનો ઇનકાર કરે અથવા તેની પાસે પાન કાર્ડ ન હોય, તો આ TDS દર સીધો વધીને 20% થઈ જશે. રાહતની વાત માત્ર એટલી છે કે કાપવામાં આવેલો કુલ TDS તે વર્ષના છેલ્લા મહિનાના ભાડાથી વધુ ન હોવો જોઈએ.

બેદરકારી પડશે ખૂબ જ ભારે

આ નિયમને નજરઅંદાજ કરવો આર્થિક રીતે મોંઘો સાબિત થઈ શકે છે. જો તમે સમયસર TDS કાપવાનું ભૂલી જાઓ છો, તો તમારે દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડશે. વળી, ટેક્સ કાપ્યા પછી તેને સરકાર પાસે જમા ન કરાવવા પર આ વ્યાજ દર વધીને 1.5% થઈ જાય છે. મુશ્કેલીઓ અહીં અટકતી નથી; સમયસર TDS રિટર્ન ફાઈલ ન કરવા પર દરરોજ 200 રૂપિયાની લેટ ફી લાગશે અને કલમ 271H હેઠળ 1 લાખ રૂપિયા સુધીની પેનલ્ટી પણ ફટકારવામાં આવી શકે છે.

ક્યારે અને કેવી રીતે ટેક્સ જમા કરાવવો?

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, TDS કાપવાનો યોગ્ય સમય નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો (માર્ચ) હોય છે, અથવા તે મહિનો જ્યારે તમે ઘર ખાલી કરી રહ્યા હોવ. જે મહિનામાં આ ટેક્સ કાપવામાં આવે છે, તે પૂરો થયાના 30 દિવસની અંદર તેને સરકારી ખાતામાં જમા કરાવવો અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે, જો તમે માર્ચ 2026 માં TDS કાપ્યો છે, તો તેને 30 એપ્રિલ 2026 સુધીમાં જમા કરાવવો પડશે.

નિયમ પાછળનો હેતુ: ટેક્સ ચોરી પર લગામ

આ કડક જોગવાઈ 2017 માં લાગુ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે જોયું હતું કે ઘણા કરદાતાઓ તેમની ઓફિસમાંથી મોટું હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ક્લેમ કરતા હતા, પરંતુ તેમના મકાનમાલિકો આ ભાડાને પોતાની આવક તરીકે દર્શાવતા નહોતા. આ જ ટેક્સ ચોરી અને વિસંગતતાને રોકવા માટે સરકારે TDS કાપવાની જવાબદારી સીધી ભાડૂઆતોને સોંપી દીધી છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો