આવકવેરા વિભાગે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ કરીને ચાલુ વર્ષ 2024-25ના કરદાતાઓ માટે એક મોટી અપડેટની જાહેરાત કરી છે. આ નવી અપડેટથી હવે કરદાતાઓને આવકવેરા રિટર્ન ભરવામાં પડતી મુશ્કેલીઓનો સામનો હવે નહીં કરવો પડે.
કરદાતાઓ માટે એક મોટી જાહેરાત
આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ભરનારા કરદાતાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. આ નવી જાહેરાત મુજબ હવે કરદાતાઓ ITR-2 અને ITR-3નો ઉપયોગ વેરો ભરવા માટે એકદમ સરળતાથી કરી શકશે. જે પણ કારદાતાઓની આવક વર્ષ 2024-25માં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ અથવા ક્રિપ્ટો કરન્સી જેવા પ્લેટફોર્મ પરથી જનરેટ થઈ છે તે તમામ કરદાતાઓ માટે આ બે ફોર્મ ભરવા ફરજિયાત હોય છે.
સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત
વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવા માટેની આ નવી અપડેટથી કરદાતાઓને વેરો ભરવામાં ખુબજ સરળતા રહેશે. આવકવેરા વિભાગે શુક્રવારે ITR-2 અને ITR-3 આ બંને ફોર્મ માટે વર્ષ 2024-25ની યુટિલિટીઝ જાહેર કરી છે. આવકવેરા વિભાગે આ બંને ફોર્મ અંગેની મહત્વપૂર્ણ જાણકારી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર જાહેર કરી હતી. આ પહેલા પણ આવકવેરા વિભાગે યુટિલિટીઝ જાહેર કરી હતી પણ તે ITR-1 અને ITR-4 ફોર્મ માટે બહાર પાડી હતી. આવકવેરા વિભાગની વેબસાઇટ અનુસાર, 11 જુલાઈથી, ITR-2 એવા વ્યક્તિઓ અથવા HUF વતી ફાઇલ કરી શકાશે કે જેઓ ITR-1 ફાઇલ કરવા માટે પાત્ર નથી.
ધ્યાન આપો કરદાતાઓ!
આવકવેરા વિભાગે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર કરેલી એક પોસ્ટમાં કરદાતાઓને અપડેટ આપતા લખ્યું છે કે, "ધ્યાન આપો કરદાતાઓ! આકારણી વર્ષ 2025-26 માટે ITR-2 અને ITR-3 ની એક્સેલ યુટિલિટીઝ હવે લાઇવ છે અને ફાઇલ કરવા માટે ઉપલબ્ધ છે." આ અંગે વધારે માહિતી મેળવવા માટે કરદાતાઓને આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ ITR પોર્ટલના ડાઉનલોડ વિભાગમાં જવાનું રહેશે અને ત્યારબાદ ડાઉનલોડ વિભાગમાંથી ITR-2 અને ITR-3ની ઉપયોગિતાઓ ડાઉનલોડ કરવાની રહેશે જે બાદ કારદાતાને એક Windows ઝિપ ફાઇલ મળશે, જેમાંથી એક્સેલ ફાઇલ મેળવી શકાય છે.













