દેશમાં આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ નવા સુધારા હેઠળ E100 (લગભગ 100% શુદ્ધ ઇથેનોલ) પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, E20 થી વધુ અને E100 સુધીના ઇંધણનો ઉપયોગ ફક્ત તે માટે જ ખાસ ડિઝાઇન અને પ્રમાણિત કરાયેલા વાહનોમાં જ થઈ શકશે. નિયમિત અથવા સામાન્ય પેટ્રોલ કારમાં આ ઇંધણનો ઉપયોગ કરી શકાશે નહીં.
E100, E85 અને સામાન્ય ઇંધણ વચ્ચેનો તફાવત
હાલમાં ભારતમાં E20 (૨૦% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) વેચાઈ રહ્યું છે. જ્યારે E85 માં 85% ઇથેનોલ અને15% પેટ્રોલ હોય છે, અને E100 એટલે કે લગભગ સંપૂર્ણપણે શુદ્ધ ઇથેનોલ. મારુતિ સુઝુકી, ટોયોટા, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઇ જેવી કાર નિર્માતા કંપનીઓ ભારતમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો વિકસાવી રહી છે. ઉદાહરણ તરીકે, મારુતિએ વેગન આર ફ્લેક્સ ફ્યુઅલ મોડેલ રજૂ કર્યું છે, જે E20 થી લઈને E100 સુધીના કોઈપણ ઇંધણ મિશ્રણ પર સક્ષમતાથી ચાલી શકે છે. આ ઉપરાંત, ઉત્સર્જન નિયમો હેઠળ હળવા વાહનોની વજન મર્યાદા ૩,૦૦૦ કિલોથી વધારીને ૩,૫૦૦ કિલો કરવામાં આવી છે.
