ગયા અઠવાડિયે ભારતીય શેરબજારના રોકાણકારોને ભારે ઝટકો લાગ્યો હતો. દેશની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 7 કંપનીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. થોડા જ દિવસોમાં આ કંપનીઓના કુલ માર્કેટ કેપમાંથી અંદાજે 1.75 લાખ કરોડ રૂપિયા ઘટી ગયા. BSE સેન્સેક્સ 949.74 પોઈન્ટ (1.27%) ઘટ્યો હતો, જ્યારે NSE નિફ્ટી પણ 294.9 પોઈન્ટ (1.27%) તૂટી ગયો.

વધતી વોલેટિલિટીથી રોકાણકારોમાં ભય

બજારમાં આ ભારે ઘટાડા પાછળ વૈશ્વિક અને સ્થાનિક કારણો જવાબદાર રહ્યા. મધ્ય પૂર્વમાં વધતા ભૂ-રાજકીય તણાવ, ઊર્જા પુરવઠા અંગેની ચિંતાઓ, રૂપિયાની કમજોરી અને વધતા વોલેટિલિટીથી રોકાણકારોમાં ભય ફેલાયો હતો. અઠવાડિયાના મધ્યમાં થોડી સુધારાની આશા જોવા મળી હતી, પરંતુ અંતે વેચવાલીનું દબાણ વધી જતા બજાર ફરી તૂટી પડ્યું.

મોટો ફટકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લાગ્યો

આ ઘટાડામાં સૌથી મોટો ફટકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લાગ્યો, જેના માર્કેટ કેપમાં લગભગ 89,720 કરોડ રૂપિયાનો ઘટાડો થયો. બેન્કિંગ ક્ષેત્રમાં HDFC બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ICICI બેન્કને પણ ભારે નુકસાન થયું. આ ઉપરાંત ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલીવર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસ પણ ઘટાડાનો સામનો કર્યો. જોકે, આ પરિસ્થિતિમાં L&T, બજાજ ફાયનાન્સ અને ઈન્ફોસિસે સારૂં પ્રદર્શન કરી રોકાણકારોને નફો આપ્યો. આવતા અઠવાડિયામાં નવા IPO અને લિસ્ટિંગ્સને કારણે બજારમાં ફરી ચહલપહલ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Raymond Chairman : ક્યારેક 12,000 કરોડના હતા માલિક વિજયપત સિંઘાનિયા, પછી ભાડાના ઘરમાં વિતાવ્યો સમય!