અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા આજે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કંપનીએ 500 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો હેન્ડલિંગનો આંકડો પાર કરી લીધો છે. અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ આ સફળતાને માત્ર આંકડાની રમત નહીં પરંતુ એક 'વારસો' ગણાવ્યો હતો. તેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં જૂની યાદો તાજી કરી અને ભાવિ લક્ષ્યાંકોની જાહેરાત કરી હતી.

મુન્દ્રાથી શરૂ થયેલી સફર હવે વૈશ્વિક સ્તરે

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 1990ના દાયકામાં મુન્દ્રા પહોંચવા માટે રસ્તા પણ ન હતા અને આજે તે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હૃદય બની ગયું છે. તેમણે નોંધ્યું કે, પ્રથમ 100 મિલિયન ટન સુધી પહોંચતા 16 વર્ષ લાગ્યા હતા, જ્યારે છેલ્લા 100 મિલિયન ટન માત્ર 2 વર્ષમાં હાંસલ કરવામાં આવ્યા છે. હાલમાં APSEZ પાસે ભારત અને વિદેશમાં થઈને કુલ 19 પોર્ટ્સ અને ટર્મિનલ્સનું મજબૂત નેટવર્ક છે.

શ્રમિકો અને ફ્રન્ટલાઈન ટીમને શ્રેય

પોતાના વક્તવ્યમાં ભાવુક થતા અદાણીએ આ સિદ્ધિનો શ્રેય ખાસ કરીને એ શ્રમિકો અને ગ્રાઉન્ડ સ્ટાફને આપ્યો જેઓ દિવસ-રાત મહેનત કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કંપની હવે 'થ્રી-ટાયર સ્ટ્રક્ચર' અપનાવી રહી છે, જેનો હેતુ ખર્ચ ઘટાડવાનો નહીં, પરંતુ ફ્રન્ટલાઈન કર્મચારીઓને સશક્ત કરવાનો છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એ જ સંસ્થાઓ સફળ થશે જે સૌથી ઝડપી નિર્ણય લઈ શકશે.


https://www.instagram.com/reel/DWrYRpyjnlk/


2030 સુધીમાં 1 અબજ ટનનો લક્ષ્યાંક

ગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષ માટેનું વિઝન રજૂ કરતા જણાવ્યું કે, વર્ષ 2030 સુધીમાં APSEZ એક અબજ ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક રાખશે. આ સાથે લોજિસ્ટિક્સ કામગીરી અને દરિયાઈ સેવાઓ પણ પાંચ ગણી વધારવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી. તેમણે અંતમાં ઉમેર્યું કે, આગમન ક્યારેય અંત નથી, પણ ફરી પ્રયાણ આરંભવાનો સંકેત છે.


આ પણ વાંચો - Adani Portsએ 500 મિલિયન ટન કાર્ગોનું સીમાચિહ્ન વટાવી રાષ્ટ્રની વિકાસ ગાથામાં પોતાની ભૂમિકા મજબૂત બનાવી