વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવોમાં ચાલી રહેલી અસ્થિરતા અને મધ્ય પૂર્વના દેશોમાં સર્જાયેલા સંકટ વચ્ચે ભારત સરકારે ઇંધણને લઈને મોટો નિર્ણય લીધો છે. શનિવારે સરકારે ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF) પરની નિકાસ ડ્યુટીમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ પગલાનો મુખ્ય હેતુ સ્થાનિક બજારમાં ઇંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને ફુગાવાને નિયંત્રણમાં રાખવાનો છે.

ડ્યુટીમાં બમણાથી વધુનો વધારો

સરકારના નવા આદેશ અનુસાર, ડીઝલ પરની નિકાસ ડ્યુટી ₹21.5 પ્રતિ લિટરથી વધારીને ₹55.5 પ્રતિ લિટર કરવામાં આવી છે. તેવી જ રીતે, જેટ ફ્યુઅલ (ATF) પરનો નિકાસ ચાર્જ પણ ₹29.5 થી વધારીને ₹42 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલ પરની નિકાસ જકાત પહેલાની જેમ શૂન્ય જ રાખવામાં આવી છે, જે રિફાઇનરીઓ માટે રાહતના સમાચાર છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સતત $100 પ્રતિ બેરલની આસપાસ રહ્યા છે. જો રિફાઇનરી કંપનીઓ વધુ નફાની લાલચમાં મોટા પાયે ઇંધણની નિકાસ કરે, તો દેશમાં અછત સર્જાઈ શકે છે. આ જોખમને ટાળવા માટે 'વિન્ડફોલ ટેક્સ' માળખા હેઠળ આ જકાત વધારવામાં આવી છે. ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવમાં ઘટાડો થતા ક્રૂડના ભાવ સ્થિર થવાની આશા છે, પરંતુ સરકાર કોઈ પણ જોખમ લેવા માંગતી નથી.

તેલ કંપનીઓ પર અસર

સરકારના આ નિર્ણયથી ખાસ કરીને એ રિફાઇનરી કંપનીઓને મોટો આંચકો લાગશે જેઓ મોટા પાયે વિદેશમાં ડીઝલ અને જેટ ઇંધણની નિકાસ કરે છે. વધારાની ડ્યુટીને કારણે તેમના નફાના માર્જિનમાં ઘટાડો થઈ શકે છે. જોકે, સ્થાનિક ગ્રાહકો માટે આ નિર્ણય ફાયદાકારક સાબિત થશે કારણ કે તેનાથી દેશમાં ઇંધણનો પૂરતો સ્ટોક જળવાઈ રહેશે.

આ પણ વાંચો: Local Body Elections 2026: મહેમદાવાદમાં ચૂંટણી પહેલા જ ભાજપનું 'કમળ' ખીલ્યું, તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ