શક્યતા છે કે આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવી શકે છે. મની કંટ્રોલના અહેવાલ અનુસાર જુલાઈથી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળા માટે મોંઘવારી ભથ્થા (DA) માં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. જો આવું થાય તો મોંઘવારી ભથ્થું જે હાલમાં 55% છે તે વધીને 58% થઈ જશે. લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે. સરકાર દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે. એક વાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં.

DAમાં થશે વધારો ? 

આ વખતે જુલાઈથી ડિસેમ્બરના સમયગાળાનો વારો છે.એવી અપેક્ષા છે કે નવરાત્રિ પછી અને દિવાળી પહેલા તેની જાહેરાત થઈ શકે છે.મહત્વનું છે કે સરકારે આ વર્ષે માર્ચ મહિનામાં જાન્યુઆરીથી જૂન 2025 સુધીના સમયગાળા માટે DAમાં 2% વધારો કર્યો હતો. તે સમયે DA 53% થી વધીને 55% થઈ ગયો હતો. ત્યારે જો આ વખતે DA 3% વધુ વધે છે, તો તે સીધો 58% થઈ જશે. જેથી પગારમાં થોડો વધારો થશે અને તહેવારોની સિજનમાં રાહત અનુભવી શકશો.

કેટલું વધારે મળશે પેન્શન ?

મોંઘવારી ભથ્થું હંમેશા મૂળ પગાર અથવા મૂળ પેન્શન અનુસાર આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને મળતી રકમ તેના મૂળ પગાર અથવા પેન્શન પર આધાર રાખે છે. ધારો કે પેન્શનધારકને દર મહિને ₹9,000 પેન્શન મળે છે. હાલમાં 55% DA મુજબ, તેને ₹4,950 વધારાના મળે છે. જો DA વધીને 58% થાય છે, તો તેને ₹5,220 મળશે. આ રીતે, દર મહિને ₹270 વધુ મળશે.

કેટલો વધારે મળશે પગાર ?

હવે ધારો કે કર્મચારીનો મૂળ પગાર ₹18,000 છે. હાલમાં 55% DA એટલે કે ₹9,900 મળે છે. જો DA 58% હોય, તો ₹10,440 મળશે. એટલે કે, દર મહિને ₹540 નો વધારો થશે. આ પૈસા નાના લાગે છે, પરંતુ જો આખા વર્ષ માટેની રકમ મોટી બને છે.

મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે?

સરકાર CPI-IW એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટાના આધારે DA ની ગણતરી કરે છે. જો ખાદ્યપદાર્થો અને રોજિંદા વસ્તુઓના ભાવ વધે છે, તો આ સૂચકાંક પણ વધે છે અને તે મુજબ DA વધે છે. DA વધારવા માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે પરંતુ સામાન્ય માણસને તેની ટેકનિકલ ગણતરી સમજવાની જરૂર નથી. ફક્ત એટલું જાણી લો કે ફુગાવો જેટલો વધારે હશે, તેટલો DA વધારે હશે.
જાહેરાત ક્યારે કરી શકાય?
જો કે મહત્વની વાત તો એ છે કે આ મામલે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આશા છે કે નવરાત્રિ પછી કે દિવાળી પહેલા આ ગૂડ ન્યૂઝ મળીશકે છે. જો 3 ટકા ડીએ વધારવામાં આવે તો લાખો પરિવારોને દિવાળી પહેલા તેમના ખિસ્સાને થોડી રાહત મળશે. 
  • Follow us on: