આ કોઈ કલ્પના નહીં, પરંતુ એક વાસ્તવિક ઘટના છે. એક કંપનીએ નોકરી બદલી રહેલા કર્મચારી પાસે ટ્રેનિંગના ખર્ચના નામે 90 હજાર રૂપિયાની માગણી કરી હતી. એટલું જ નહીં, કર્મચારીનો છેલ્લો પગાર આપવામાં પણ વિલંબ કર્યો હતો. આખરે કર્મચારીએ ન્યાય મેળવવા માટે લેબર ઓફિસનો દરવાજો ખખડાવવો પડ્યો. 

નોકરી છોડતી વખતે દરેક કર્મચારીની એવી જ અપેક્ષા હોય છે કે નોટિસ પિરિયડ પૂરો કર્યા પછી અને પોતાની તમામ જવાબદારીઓ સોંપ્યા બાદ કંપનીમાંથી વિદાય લેવાની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ જશે. પરંતુ ત્રિપુરાના અગરતલામાં રહેતા એક સોફ્ટવેર એન્જિનિયર સાથે કંઈક આવું બન્યું, જે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.

તેણે કંપનીમાં લગભગ 9 મહિના સુધી કામ કર્યા બાદ નોકરી છોડી દીધી હતી. તેમણે નક્કી કરેલા નિયમો મુજબ નોટિસ પિરિયડ પણ પૂરો કર્યો હતો. આમ છતાં કંપનીએ તેમની પાસે ટ્રેનિંગના ખર્ચના નામે લગભગ 90 હજાર રૂપિયા માગ્યા હતા. આટલું જ નહીં, તેમનો છેલ્લો પગાર આપવામાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. આખરે કર્મચારીએ પોતાની ફરિયાદ લઈને લેબર ઓફિસનો સંપર્ક કર્યો.

નોકરી છોડ્યા બાદ કંપનીએ શા માટે માગ્યા 90 હજાર રૂપિયા?

કર્મચારીએ પોતાનો આ અનુભવ અન્ય લોકો સાથે શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ લગભગ 9 મહિના સુધી કંપનીમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું અને નક્કી કરેલા નિયમો મુજબ નોટિસ પિરિયડ પૂરો કરીને પોતાના છેલ્લા કાર્યદિવસે કંપની છોડી દીધી હતી. તેમને લાગ્યું હતું કે હવે નોકરી છોડવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

પરંતુ આ દરમિયાન કંપનીએ તેમને જણાવ્યું કે ટ્રેનિંગ પાછળ થયેલા ખર્ચ પેટે તેમણે લગભગ 90 હજાર રૂપિયા ચૂકવવા પડશે. કર્મચારીએ કંપનીની આ માગણી સામે સવાલ ઉઠાવ્યા હતા.

કર્મચારીનું કહેવું હતું કે તેઓ માત્ર થોડા દિવસની ટ્રેનિંગ લઈને કંપની છોડી રહ્યા નહોતા. તેઓ ઘણા મહિનાઓથી કંપનીના વાસ્તવિક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હતા અને પોતાની જવાબદારીઓ પણ નિભાવી રહ્યા હતા.

છેલ્લો પગાર આપવામાં પણ થયો વિલંબ

કર્મચારીના જણાવ્યા અનુસાર, ટ્રેનિંગના નામે પૈસાની માગણી કરવાની સાથે તેમના છેલ્લા પગારને લઈને પણ વિવાદ ઊભો થયો હતો. તેમને છેલ્લો પગાર આપવામાં વિલંબ કરવામાં આવ્યો હતો.

આ મામલે તેમણે HR વિભાગ અને કંપનીના સંચાલકો સાથે અનેક વખત વાતચીત કરી હતી. જોકે, વાતચીત દરમિયાન અલગ-અલગ રકમ જણાવવામાં આવતી હોવાથી મામલો વધુ ગૂંચવાતો ગયો હતો.

કર્મચારીએ કંપનીમાં કામ દરમિયાન ડેવલપમેન્ટ ટીમમાં થયેલા ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે કંપનીમાં નોકરી શરૂ કરી ત્યારે ટીમમાં લગભગ 15 ડેવલપર્સ હતા, પરંતુ નોકરી છોડતી વખતે આ સંખ્યા ઘટીને લગભગ 5 થઈ ગઈ હતી.

લેબર ઓફિસમાં ફરિયાદ બાદ કેવી રીતે ઉકેલાયો મામલો?

કર્મચારીએ જણાવ્યું કે તેમણે પોતાની ફરિયાદ લેબર ઓફિસમાં નોંધાવી હતી અને લેબર અધિકારીને સમગ્ર મામલાની જાણ કરી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે 3 વખત સુનાવણી થઈ હતી.

કર્મચારીના જણાવ્યા અનુસાર, લગભગ દોઢ મહિનાની પ્રક્રિયા બાદ આ મામલો ઉકેલાયો હતો. તેમને પોતાનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, પગારની સ્લિપ અને રિલીવિંગ લેટર પણ મળી ગયા હતા. એટલું જ નહીં, કંપનીએ 90 હજાર રૂપિયાની માગણી પણ પાછી ખેંચી લીધી હતી.

આ સમગ્ર અનુભવમાંથી કર્મચારીએ અન્ય નોકરી શોધી રહેલા લોકોને એક મહત્ત્વની સલાહ આપી છે. તેમના જણાવ્યા અનુસાર, કોઈપણ કંપનીમાં નોકરી શરૂ કરતાં પહેલાં રોજગાર કરાર (Employment Contract)ની દરેક શરત ધ્યાનથી વાંચવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.