ભારત સરકારની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ દેશની સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવા માટે એક અત્યંત મહત્વનો અને અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો નિર્ણય લીધો છે. ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો તરફથી સતત વધી રહેલા જોખમોને પહોંચી વળવા માટે DAC એ 114 રાફેલ ફાઈટર જેટ અને 6 P-8I પોસાઈડન મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી દીધી છે.
વાયુસેના માટે 114 રાફેલ કેમ સંજીવની સમાન?
ભારતીય વાયુસેના (IAF) હાલમાં સ્ક્વોડ્રનની અછતનો સામનો કરી રહી છે. દેશની સુરક્ષા માટે કુલ 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત છે, જેની સામે હાલ માત્ર 30 સ્ક્વોડ્રન કાર્યરત છે. 114 નવા રાફેલ જેટના આગમનથી વાયુસેનાને નવા 6 થી 7 સ્ક્વોડ્રન મળશે, જે રક્ષા ક્ષમતામાં મોટો ઉછાળો લાવશે.
રાફેલની મુખ્ય વિશેષતાઓ
4.5 જનરેશન ટેકનોલોજી: આ વિમાન અત્યાધુનિક AESA રડાર સિસ્ટમથી સજ્જ છે.
ઘાતક મિસાઇલ્સ: લાંબા અંતરની 'મેટિયોર' (Meteor) હવાથી હવા અને 'સ્કાલ્પ' (SCALP) ક્રુઝ મિસાઇલ તેને દુશ્મન માટે યમરાજ સમાન બનાવે છે.
યુદ્ધમાં સાબિત થયેલી ક્ષમતા: રાફેલે ભૂતકાળમાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પોતાની તાકાત બતાવીને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું. આ વિમાન હવાથી જમીન અને હવાથી હવામાં એકસાથે હુમલો કરવામાં માહિર છે.
નૌકાદળની સમુદ્રી તાકાતમાં વધારો
DAC ની મંજૂરી મળતા જ ભારતીય નૌકાદળને 6 નવા P-8I પોસાઈડન એરક્રાફ્ટ મળશે. હિંદ મહાસાગરમાં ચીની સબમરીનની વધતી ગતિવિધિઓને રોકવા માટે આ વિમાન અચૂક શસ્ત્ર છે. ભારત પાસે પહેલેથી જ 12 આવા એરક્રાફ્ટ છે, જેમણે 40,000 થી વધુ અકસ્માત-મુક્ત ઉડાન ભરીને પોતાની વિશ્વસનીયતા સાબિત કરી છે. આ વિમાન સમુદ્રમાં લાંબા અંતરની દેખરેખ અને એન્ટી-સબમરીન વોરફેર (Submarine Hunting) માં નિષ્ણાત ગણાય છે.
લીલી ઝંડી અંતિમ મંજૂરી માટે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ પાસે જશે
DAC ની લીલી ઝંડી બાદ હવે આ દરખાસ્ત અંતિમ મંજૂરી માટે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) પાસે જશે. આ સોદો પૂર્ણ થતાં જ ભારત માત્ર દક્ષિણ એશિયામાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે એક સૈન્ય મહાશક્તિ તરીકે ઉભરી આવશે. આ ડીલ આત્મનિર્ભર ભારત અને મજબૂત રક્ષા કવચની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે.
આ પણ વાંચોઃ AI New Rules સાવધાન! સોશિયલ મીડિયા પર AI ફોટો-વીડિયો શેર કરતા પહેલા જાણી લો નવા નિયમો, નહીંતર થશે જેલ